સંભલનું શિવ મંદિર કેટલું જૂનું છે એ જાણી શકાશે આ પદ્ધતિ દ્વારા, જાણો કઈ રીતે કામ કરે છે કાર્બન ડેટિંગ
Now we can know how old the Shiva temple of Sambhal: ઉત્તર પ્રદેશના સંભલમાં શિવ મંદિરનો વિવાદ છેલ્લા થોડા સમયથી ગરમાયેલો છે. મંદિર કેટલું જૂનું છે એ નક્કી કરવા માટે ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ’ (આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા - ASI) વિભાગ દ્વારા મંદિર અને ત્યાં મળી આવેલ કૂવાના ઘણાબધા નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે. આ નમૂનાનું કાર્બન ડેટિંગ કરીને હવે મંદિર અને કૂવાની ‘ઉંમર’ નક્કી કરવામાં આવશે. એટલે કે આ બંને બાંધકામ કઈ સદીમાં કરવામાં આવ્યા હતા, એ જાણી શકાશે. ચાલો, આજે જાણીએ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ શું છે અને એના દ્વારા કઈ રીતે જાણી શકાય છે કે કોઈ વસ્તુ કેટલી પ્રાચીન છે.
કાર્બન વિના જીવન અશક્ય છે
પૃથ્વી પર બધે જ કાર્બનની હાજરી જોવા મળે છે. આ એક એવું તત્વ છે, જે જીવમાત્રનું અવિભાજ્ય અંગ છે. પશુ-પક્ષી-જીવજંતુઓ અને તમામ પ્રકારની વનસ્પતિની જેમ માનવશરીર પણ કાર્બનથી બનેલું હોય છે. ટૂંકમાં, કાર્બન વિના જીવન અશક્ય છે.
આ પણ વાંચો : સંભલમાં મંદિર બાદ હવે 250 ફૂટ ઊંડી વાવ મળી, માટી હટાવી નક્શાના આધારે થશે તપાસ
કાર્બનના પ્રકારઃ જીવતાં અને દેહાંત બાદ
કાર્બન બે પ્રકારના હોય છેઃ કાર્બન 12 અને કાર્બન 14. જ્યાં સુધી કોઈ જીવ જીવિત હોય ત્યાં સુધી તેના શરીરમાં બંને પ્રકારના કાર્બનનું સંતુલન હોય છે. મૃત્યુ પછી શરીરમાં કાર્બન 12 યથાવત રહે છે, પણ કાર્બન 14 ક્ષીણ થવા લાગે છે. આ વાત હાડ-ચામના જીવને પણ લાગુ પડે છે અને સુકાઈ જતાં વૃક્ષને પણ લાગુ પડે છે. નિષ્ણાતો મૃતદેહમાં રહી ગયેલા કાર્બન 12 નું પરીક્ષણ કરીને શોધી કાઢે છે કે તે જીવ કે વનસ્પતિ કેટલી જૂની છે. કાર્બન 14 ના ક્ષીણ થવાની ઝડપ પરથી પણ તેનો જીવન-કાળ નક્કી કરી શકાય છે.
પુરાતત્વ વિભાગ બહોળા પાયે ઉપયોગ કરે છે
ખોદકામ દરમિયાન મળેલી આવેલી વસ્તુઓની તપાસ કરવા માટે પુરાતત્વ વિભાગ કાર્બન ડેટિંગ પદ્ધતિનો બહોળા પાયે ઉપયોગ કરે છે. ક્યારેક જે શ્વસતો હતો એવો જીવ કે ઝાડ જ નહીં, નિર્જીવ કહી શકાય એવા પથ્થરો, ખડકો વગેરેની વયનો કયાસ પણ આ પદ્ધતિ દ્વારા લગાવવામાં આવે છે.
કેટલું સચોટ પરિણામ મળી શકે?
માણસો અને પ્રાણીઓના હાડકાંના અવશેષોનું કાર્બન ડેટિંગ કરીને એમની વય નક્કી કરવામાં આવે છે. એ જ રીતે વૃક્ષોના સડેલા-બચેલા લાકડાં પરથી એનો સમય-કાળ જાણી શકાય છે. આ બંને મુદ્દે નિષ્ણાતો ઘણેઅંશે સાચો અંદાજો લગાવી શકે છે. બસો-પાંચસો-હજાર નહીં, પચાસ હજાર વર્ષ જૂના અવશેષો પર પણ કાર્બન ડેટિંગ સચોટપણે કામ કરે છે. પરંતુ એનાથી જૂના અવશેષો બાબતે અંદાજ બાંધવો મુશ્કેલ બની જતો હોય છે.
ક્યારેય જીવંત જ નહોતી એવી વસ્તુઓ પર કેટલી અસરકારક?
કાર્બન ડેટિંગ પદ્ધતિ માત્ર વૃક્ષના લાકડા, કાગળ અને હાડકાં જેવી જીવંત વસ્તુઓ પર કામ કરે છે; ધાતુ કે પથ્થર જેવી નિર્જીવ વસ્તુઓ પર એ કામ કરતી નથી. અલબત્ત, ક્યારેય જીવંત જ નહોતી એવી વસ્તુઓની વય જાણવા માટે પણ એક યુક્તિ અજમાવવામાં આવે છે.
નિર્જીવ ચીજો માટે આવી યુક્તિ અજમાવાય છે
ધાતુ અને પથ્થર જ્યાંથી મળી આવ્યા હોય એ સ્થળેથી મોટેભાગે તો વનસ્પતિના અવશેષ અને કોઈ ને કોઈ જંતુના મૃતદેહ પણ મળી આવતા હોય છે. એવી ઓર્ગેનિક ચીજોના અવશેષોનું કાર્બન ડેટિંગ કરીને જે-તે ધાતુ કે પથ્થરની વય વિશે અંદાજો બાંધવામાં આવતો હોય છે. જેમ કે, સંભલમાં મંદિર અને કૂવાની દીવાલો કે ફર્શમાંથી એકાદ-બે જીવાવશેષો તો એવા મળી જ આવશે કે જેનું કાર્બન ડેટિંગ કરી શકાય.
કાર્બન ડેટિંગ ઉપરાંત આવી પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે
પ્રાચીન ચીજ-વસ્તુઓની વય જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ ઉપરાંત અન્ય પદ્ધતિઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેમ કે,
(1) થર્મોલ્યુમિનેસેન્સ ડેટિંગ દ્વારા પથ્થરો, માટી અને સ્ફટિકોની ઉંમર નક્કી કરી શકાય છે.
(2) વૃક્ષોની ઉંમર જાણવા માટે ડેન્ડ્રોક્રોનોલોજી પદ્ધતિ વપરાય છે.
(3) પોતાના જીવનકાળ દરમિયાન સૂર્યપ્રકાશના ઓછા સંપર્કમાં આવેલ ચીજોના અવશેષો પર થર્મોલ્યુમિનેસેન્સ અને ઓપ્ટિકલી સ્ટિમ્યુલેટેડ લ્યુમિનેસેન્સ ડેટિંગ પદ્ધતિ સારું પરિણામ આપે છે.
(4) સ્ટ્રેટેગ્રાફી દ્વારા પૃથ્વીના સ્તરોનો અભ્યાસ કરી શકાય છે.
કાર્બન ડેટિંગનો શોધક કોણ હતો?
વર્ષ 1949 માં અમેરિકન ભૌતિક-રસાયણશાસ્ત્રી વિલાર્ડ લિબી દ્વારા શિકાગો યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત કાર્બન ડેટિંગ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. આ સંશોધન બદલ તેમને 1960 માં રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ સ્થળે સૌપ્રથમ કાર્બન ડેટિંગનો ઉપયોગ થયો હતો
વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ષ 1952 માં બ્રિટનના સ્ટોનહેંજમાં કાર્બન ડેટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ જાણવા મળ્યું હતું કે એ સ્મારક ઈસ્વીસન પૂર્વે બેથી ત્રણ હજાર દરમિયાન અલગ-અલગ તબક્કામાં નિર્માણ પામ્યું હતું. એ પછી કાર્બન ડેટિંગનો ઉપયોગ વિશ્વભરમાં વ્યાપકપણે શરૂ થયો હતો. ઈજિપ્તના જગમશહૂર પિરામિડોનું પણ 1984 માં કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું હતું.
ભારતમાં આ સ્થળે બહુ ઉપયોગી સાબિત થયું હતું કાર્બન ડેટિંગ
ભારતીય પુરાતત્વ વિભાગે પણ કાર્બન ડેટિંગ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કર્યો છે. હજારો વર્ષ જૂની હડપ્પા અને મોહેંજોદડો જેવી પ્રાચીન સંસ્કૃતિઓનો કાળ-ખંડ આ રીતે જ નક્કી થયો હતો. મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસમાં સ્થાપિત મશીન દ્વારા કાર્બન ડેટિંગ કરવામાં આવે છે.
આધુનિક જમાનામાં કાર્બન ડેટિંગ
અયોધ્યામાં રામ મંદિરનો વિવાદમાં ઊભો થયેલો ત્યારે પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ દ્વારા તારણ કાઢ્યું હતું કે ત્યાં જે મસ્જિદ હતી એના અગાઉ ચોક્કસપણે મંદિર હતું જ. સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ પર ચુકાદો આપતી વખતે પુરાતત્વ વિભાગના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો.
એ પછી જ્ઞાનવાપીના વિવાદમાં પણ આ પ્રક્રિયા અપનાવવાની વાત થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ફરી એકવાર સંભલ કેસમાં કાર્બન ડેટિંગનો ઉપયોગ થતાં આ પદ્ધતિ ચર્ચામાં આવી છે. સંભલમાં પુરાતત્વ વિભાગનો રિપોર્ટ શું કહે છે, એના પર દેશ આખાની નજર રહેશે.