હવે ખાવાની તમામ વસ્તુઓના પેકેટ પર લાગશે QR કોડ, શું છે તેનુ કારણ
QR કોડ દ્વારા ખાદ્ય સામગ્રી સાથે જોડાયેલ જાણકારીઓને સરળતાથી વાંચી શકાય
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે
Image Envato |
તા. 13 જાન્યુઆરી 2024, શનિવાર
દેશમાં હવે ખાવાની તમામ વસ્તુઓના પેકેટ પર QR કોડ લગાવવામાં આવશે. આ કોડને મોબાઈલ દ્વારા સ્ક્રેન કરતાંની સાથે પેકેટની અંદર રાખવામાં આવેલ સામાન સાથે જોડાયેલી તમામ જાણકારી મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકાશે. આ વ્યવસ્થા ખાસ કરીને જે લોકો નજીકથી નાના અક્ષરોને વાંચી શકતા નથી તેને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ખાદ્ય સામગ્રી સાથે જોડાયેલ જાણકારીઓને સરળતાથી વાંચી શકાય.
જાહેર કરવામાં આવ્યું નોટીફિકેશન
આ બાબતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યું હતું કે, ખાદ્ય પેકેટ પર ખાદ્ય સામગ્રી સાથે જોડાયેલ દરેક જાણકારી પ્રિન્ટ કરાવવી જરુરી છે, પરંતુ ખાદ્ય સામગ્રીના પેકેટ પર આપવામાં આવતી આ માહિતી એટલા નાના અક્ષરોમાં લખેલી હોય છે, કે જેને વાંચવી ઘણી મુશ્કેલ હોય છે. તેને જોતા ખાદ્ય સામગ્રીના પેકેટ પર ઉત્પાદકોએ ક્યુઆર કોડ છાપવાનો રહેશે.જેથી કરીને દરેક લોકો સરળતાથી ખાદ્ય સામગ્રીના પેકેટ સાથે જોડાયેલી તમામ વિગતો જાણી શકે.
QR કોડમાં આ દરેક માહિતીનો કરવામાં આવ્યો છે સમાવેશ
ક્યુઆર કોડમાં ખાદ્ય સુરક્ષા સંબંધિત વિવિધ જાણકારી સામેલ હશે, જેમ કે તેનું નામ, પેકિંગ તારીખ, એક્સપાયરી ડેટ, તે શાકાહારી છે કે માંસાહારી છે. આ સાથે તેમા સામેલ દરેક સામગ્રી વિશે માહિતી, પોષક તત્વો, એલર્જીની ચેતવણી સહિતની વિગતો સાથે ગ્રાહકોની પૂછપરછ માટેની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે હવે QR કોડમાં આ દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવશે.