‘ઈવીએમમાં ગરબડ કરી શકાય છે, મેં ઊંડો અભ્યાસ કર્યો છે’, હવે આ ટેક્નોક્રેટ પણ વિવાદમાં કૂદ્યા
Sam Pitroda Statements On EVM: લોકસભા ચૂંટણી દરમિયાનથી વિવાદોમાં રહેલાં સામ પિત્રોડાએ વધુ એક નિવેદન આપી વિવાદને વધુ વકરાવ્યો છે. અગાઉ વારસાગત ટેક્સ જેવો વિવાદિત પ્રસ્તાવ રજૂ કર્યા બાદ સામ પિત્રોડાએ હવે ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ઈવીએમની વ્યવસ્થા ઠીક નથી. અને પેપર બેલેટ સિસ્ટમથી જ ચૂંટણી કરવી યોગ્ય છે.
સામ પિત્રોડાએ કહ્યું કે, શ્રેષ્ઠ વ્યવસ્થા એ છે કે બેલેટ પેપર્સ મારફત જ ચૂંટણીની જીત અને હાર નક્કી કરવામાં આવે. સામ પિત્રોડાએ X પર લખ્યું, 'મેં 60થી વધુ વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં કામ કર્યું છે. મેં ઈવીએમની સિસ્ટમનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. હું માનું છું કે તેની સાથે છેડછાડ થઈ શકે છે. બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણીઓનું આયોજન શ્રેષ્ઠ રહેશે અને જીત અને હારનો નિર્ણય તેની ગણતરી દ્વારા કરવામાં આવે.
ચૂંટણી પંચે પણ ઈવીએમ હેક મામલે પ્રતિક્રિયા આપી
ચૂંટણી પંચે પણ મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પર ઈવીએમ હેક થવાના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. પંચના એક અધિકારીએ કહ્યું કે ઈવીએમ સંપૂર્ણપણે અલગ વસ્તુ છે. તે કોઈપણ ઈલેક્ટ્રોનિક અથવા ઈન્ટરનેટ સાથે જોડાયેલ નથી. આ કારણે તેને હેક કરી શકાતું નથી. આ ઉપરાંત, તેને અનલોક કરવા માટે OTP જરૂરી હોવાનો દાવો પણ ખોટો છે. ભાજપે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે જે લોકો EVMને બદનામ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
સોશિયલ મીડિયા પર ઈવીએમ હેકનો મામલો વકર્યો
આ વિવાદ એક મીડિયા રિપોર્ટથી શરૂ થયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના એક સંબંધીએ ઈવીએમને તેમના મોબાઈલ સાથે જોડી દીધું હતું. આ ઘટના 4 જૂને બની હતી, જે દિવસે ચૂંટણી પરિણામ આવી રહ્યા હતા. રવિન્દ્ર વાયકર આ ચૂંટણીમાં 48 મતોના નજીવા માર્જિનથી જીત્યા છે. આ રીતે મોબાઈલમાંથી હેક કરીને પરિણામ બદલી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ઈલોન મસ્કે પણ ટ્વિટ કરી ઈવીએમ પર સવાલો ઉઠાવતાં આ બાબતએ જોર પકડ્યું છે ત્યારે ચૂંટણી પંચે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે ઈવીએમમાં ઓટીપી જેવી કોઈ સિસ્ટમ નથી.
અગાઉ પણ ઈવીએમ મામલે નિવેદનો આપ્યા
સામ પિત્રોડાએ લોકસભા ચૂંટણી પહેલાં કહ્યું હતું કે, હાલ ભારતમાં ઈવીએમ સ્વતંત્ર રીતે ઉપયોગમાં લેવાતા મશીન નથી. ઈવીએમ મશીન સાથે વીવીપેટ મશીન જોડ્યા બાદ આશંકાઓ શરૂ થઈ છે. વીવીપેટમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોવાથી તે એક અલગ ડિવાઈસ છે. ઈવીએમ સાથે વીવીપેટને જોડવા એક સ્પેશ્યલ કનેક્ટરનો ઉપયોગ કરાય છે, જેને એસએલયૂ કહેવાય છે. આ એસએલયુના કારણે ઘણી આશંકાઓ ઉભી થાય છે.