હવે આ નામથી ઓળખાશે રામ મંદિરના રામલલા, પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ પૂજારીએ જણાવ્યું કારણ
આ મૂર્તિમાં ભગવાન રામના પાંચ વર્ષના લાડલા રૂપને દર્શાવવામાં આવ્યું છે
હિન્દુ સમાજના 500 વર્ષના આકરા સંઘર્ષ બાદ અંતે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો. દિવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા. ભવ્ય રામ મંદિરમાં જે મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે તેને 'બાલક રામ'ના નામથી ઓળખવામાં આવશે કારણ કે, તેમાં ભગવાન રામના પાંચ વર્ષના લાડલા રૂપને દર્શાવવામાં આવ્યું છે. આ વાતની જાણકારી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે જોડાયેલા પૂજારી અરૂણ દીક્ષિતે આપી છે.
મૂર્તિનું નામ 'બાલક રામ' રાખવાનું કારણ
પૂજારી અરૂણ દીક્ષિતે કહ્યું છે કે, ‘ભગવાન રામની મૂર્તિનું નામ 'બાલક રામ' રાખવાનું કારણ એ છે કે, તેઓ એક પાંચ વર્ષના બાળકના રૂપમાં દેખાય છે. જ્યારે મેં પહેલી વખત આ મૂર્તિ જોઈ તો હું રોમાંચિત થઈ ગયો અને મારી આંખમાંથી આંસુ વહેલા લાગ્યા. તે સમયે મને જે અનુભવ થયો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.’
આ મૂર્તિ અલૌકિક અને સર્વોચ્ચ: પૂજારી અરૂણ દીક્ષિત
પોતાના જીવનમાં 50થી 60 અભિષેક કરનારા અરુણ દીક્ષિત દાવો કરે છે કે ‘અત્યાર સુધીમાં મેં જેટલા પણ અભિષેક કર્યા તેમાં આ મૂર્તિ માટે સૌથી અલૌકિક છે, સર્વશ્રેષ્ઠ છે. મને મૂર્તિની પહેલી ઝલક 18 જાન્યુઆરીના રોજ જોવા મળી હતી.’
બાલક રામના આભૂષણો પર પણ સંશોધન કરાયું છે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રમાણે બાલક રામની મૂર્તિ માટે આભૂષણ આધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને અલવંદર સ્તોત્રમ જેવા ગ્રંથોના સઘન સંશોધન બાદ તૈયાર કરાયા છે. મૂર્તિને બનારસી વસ્ત્રોથી શણગારવામાં આવે છે, જેમાં એક પીળી ધોતી અને એક લાલ 'પટાકા' એટલે કે 'અંગવસ્ત્રમ' છે. 'અંગવસ્ત્રમ'ને શુદ્ધ સોનાની 'જરી' અને દોરાથી શણગારાયું છે. તેમાં પણ શુભ વૈષ્ણવ પ્રતીકો 'શંખ', 'પદ્મ', 'ચક્ર' અને 'મયૂર' સામેલ છે.