હવે રેલવેની ઓનલાઇન ટિકિટ કરાવવી થશે વધુ સરળ, બુકિંગ પહેલા નહીં થાય પેમેન્ટ ફેલ કે નહીં કપાય પૈસા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News

હવે રેલવેની ઓનલાઇન ટિકિટ કરાવવી થશે વધુ સરળ, બુકિંગ પહેલા નહીં થાય પેમેન્ટ ફેલ કે નહીં કપાય પૈસા 1 - image

Railway Online Booking Update : રેલવેમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવતાં તમામ મુસાફરોની હંમેશા ફરિયાદ રહેતી હતી કે, પહેલાં કન્ફર્મ ટિકિટ જોવા મળતી હોય છે, પરંતુ જ્યારે બુક કરાવીએ ત્યારે એટલો સમય લાગી જાય છે કે, ટિકિટ વેઇટિંગમાં આવી જાય છે. અથવા તો કેટલીક વાર પૈસા કપાઈ જાય છે, પરંતુ પ્રોસેસ ધીમી હોવાના કારણે ટિકિટ બનતી નથી. ભારતીય રેલવે કેટરિંગ ઍન્ડ ટુરિઝમ કૉર્પોરેશન (IRCTC) આવા મુસાફરોને એક ભેટ આપવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ ટિકિટો આંખના પલકારામાં ઓનલાઇન બુક કરી શકાશે. બસ તેના માટે થોડી રાહ જોવી પડશે. આવો IRCTCની સંપૂર્ણ યોજના વિશે જાણીએ.

IRCTCના સીએમડી સંજય જૈનના જણાવ્યા પ્રમાણે ટિકિટ બુક કરાવતી વખતે પૈસા કપાઈ જવા, પેમેન્ટ ફેઈલ થવું અથવા કન્ફર્મ ટિકિટ વેઇટિંગ થઈ જવી..આવી અનેક સમસ્યાઓનું મુખ્ય કારણ ઓછી ક્ષમતા છે. એટલે કે, ઓનલાઇન ટિકિટ બુકિંગની પ્રક્રિયા કરનારા લોકોની સંખ્યાની સરખામણીમાં ક્ષમતા ઓછી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હાલમાં થઈ રહ્યું છે આ કામ  

હાલમાં IRCTC ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે. તેની પ્રોસેસ શરુ થઈ ગઈ છે અને માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થશે. ત્યાર બાદ પ્રવાસીઓની ટિકિટ ફટાફટ ઓનલાઇન બુક થવા લાગશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષથી ટિકિટ બુકિંગની પ્રોસેસમાં વધુ સમય નહીં લાગે. ક્લિક કર્યા પછી રાહ જોવાનો સમય રહેશે નહીં. સીધી પ્રોસેસ શરુ થઈ જશે અને થોડી જ ક્ષણોમાં તમને ટિકિટ મળી જશે.

રોજ 9 લાખથી વધુ ઓનલાઇન ટિકિટ લેવાય છે

દેશભરમાં 3 કરોડ IRCTC યુઝર્સ છે. હાલમાં દરરોજ 9 લાખથી વધુ ટિકિટ ઓનલાઇન બુક થઈ રહી છે. જેમાં મુસાફરો દ્વારા ઓનલાઇન બુકિંગ તેમજ એજન્ટ બુકિંગનો સમાવેશ થાય છે. દરરોજ બે કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે.



Google NewsGoogle News