કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું, પરિણામ સુધીની તારીખો જાહેર
- એકથી વધારે ઉમેદવાર નોંધાવા પર 17મી ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 19મી ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2022, ગુરૂવાર
કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ સાથે જ દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું સર્વોચ્ય પદ સંભાળનારી વ્યક્તિને પસંદ કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટી દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નામાંકન, મતદાન અને પરિણામની તારીખોની જાહેરાત
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટેના ઘોષિત કાર્યક્રમ પ્રમાણે જાહેરનામું બહાર પડ્યા બાદ નામાંકન દાખલ કરવા માટેની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન ચાલશે. નામાંકન પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ 8મી ઓક્ટોબર છે. એકથી વધારે ઉમેદવાર નોંધાવા પર 17મી ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 19મી ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીઃ ગેહલોત, થરૂર બાદ દિગ્ગી રાજા પણ મેદાનમાં