કંઇ પણ ફ્રીમાં ના આપવુ જોઇએ: નારાયણ મૂર્તિ
નવી મુંબઇ,તા. 30 નવેમ્બર 2023, ગુરુવાર
સોફ્ટવેર ઉદ્યોગના દિગ્ગજ એનઆર નારાયણ મૂર્તિએ બુધવારે કહ્યું કે, કંઈપણ મફતમાં ન આપવું જોઈએ. બેંગલુરુ ટેક સમિટમાં ઇન્ફોસિસના સહ-સ્થાપક મૂર્તિએ કહ્યું કે, જે લોકો સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓ અને સબસિડીનો લાભ લે છે તેઓએ સમાજની સુખાકારીમાં યોગદાન આપવું જોઈએ.
મૂર્તિએ કહ્યું કે, હું મફત સેવાઓ પૂરી પાડવાની વિરુદ્ધ નથી, કારણ કે હું પણ ગરીબીમાંથી જ બહાર આવ્યો છું, પરંતુ મને લાગે છે કે, જેમને મફત સબસિડી મળી છે તેમની પાસેથી આપણે બદલામાં કંઈક અપેક્ષા રાખવી જોઈએ જેથી કરીને તેઓ તેમની ભાવિ પેઢીઓ માટે પ્રદાન કરી શકે. અમારા બાળકો અને પૌત્ર-પૌત્રીઓને શાળાએ જવાની બાબતમાં તેમજ સારુ પ્રદર્શન કરવાની દિશામાં થોડી જવાબદારી લે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અભિનંદન આપતા મૂર્તિએ કહ્યું કે, તે યોગ્ય દિશામાં એક પગલું છે. મૂર્તિએ યુવા પ્રતિભાને ઉજાગર કરવા માટે વધુ અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થાપવાની હિમાયત કરી, તેમજ ચીન સાથે સ્પર્ધા કરવા ઝડપી નિર્ણયો લેવાની વાત કરી હતી.