દિલ્હીમાં માન્યતા પ્રાપ્ત બે રાષ્ટ્રીય પક્ષોને NOTA કરતાં પણ ઓછા વોટ મળ્યા, આંકડા જોઈ સૌ ચોંક્યા
NOTA Votes in Delhi Election Result: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સત્તા બદલી નાખી છે. ભાજપે 27 વર્ષ બાદ 48 બેઠક પર જંગી જીત સાથે વાપસી કરી છે. જયારે આમ આદમી પાર્ટી પાસે માત્ર 22 બેઠક જ બચી છે. એમાં પણ સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંયોજક પણ ભાજપ નેતા પરવેશ વર્મા સામે હારી ગયા છે. પરંતુ આ સિવાય પણ બે રાષ્ટ્રીય પક્ષો એવા છે કે જેમનાં વોટ શેરે પાર્ટી નેતૃત્ત્વને નિરાશ કર્યું હોય.
આ પક્ષોને મળ્યા NOTA કરતા પણ ઓછા મત
જો આપણે દિલ્હીના ચૂંટણી પરિણામોના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) ને NOTA કરતા ઓછા મત મળ્યા છે. જેમાં BSPને 0.58% મત અને CPI(M)નો વોટ શેર 0.01% હતો. જ્યારે દિલ્હીના 0.57% મતદારોએ NOTA બટન દબાવ્યું હતું. BSPનો વોટ શેર ભલે ઓછો ન હોય, પરંતુ તે હજુ પણ NOTAની બરાબર છે.
દિલ્હીની ચૂંટણીમાં તમામ પક્ષોનો વોટ શેર
- અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને 43.57%
- અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 0.77%
- બીજેપીને 45.56%
- માયાવતીની BSPને 0.58%
- CPIને 0.02%
- CPI(M)ને 0.01%
- કોંગ્રેસને 6.34%
- JDUsને 1%
- LJP(R)ને 0.53% વોટ શેર-
- NCPને 0.06%
- અન્યને 0.93% વોટ શેર મળ્યા હતા.
જ્યારે NOTAને 0.57% વોટ મળ્યા છે.
આમ આદમી પાર્ટી માટે નિરાશાજનક પરિણામો
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓને આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ પોતે હોય, મનીષ સિસોદિયા હોય, સત્યેન્દ્ર જૈન હોય કે સૌરભ ભારદ્વાજ હોય, આ બધાએ પોતાની વિધાનસભાની બેઠકો ગુમાવી હતી. કાલકાજીથી આતિશી અને બાબરપુરથી ગોપાલ રાય પોતાબી બેઠક બચાવવામાં સફળ રહ્યા છે.