સ્કૂલમાં 'યસ મેડમ' કે 'યસ સર' નહીં 'જય હિન્દ' બોલો, ભાજપ સરકારના મંત્રીનું અનોખું ફરમાન
Image Source: X
Madhya Pradesh Govt Minister Vijay Shah: ભાજપ સરકારના મંત્રીએ એક અનોખું ફરમાન જાહેર કર્યું છે. મંત્રીએ આદેશ આપ્યો કે, હવે સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં 'યસ મેડમ' અને 'યસ સર' નહીં ચાલશે. મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના પ્રભારી મંત્રી વિજય શાહે કહ્યું કે, વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવતી વખતે જય હિન્દ બોલવું પડશે. જય હિન્દ કહેવાથી દેશભક્તિની લાગણી અને જુસ્સો પેદા થાય છે. યસ સર અને યસ મેડમ કહેવાથી શું થાય છે? જય હિન્દ કહેવું એ મારું નિવેદન નથી આ મારો આદેશ છે. વિજય શાહે ભાજપના કાર્યકરો સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
આદિજાતિ કાર્ય વિભાગ પબ્લિક એસેટ મેનેજમેન્ટ અને ભોપાલ ગેસ દુર્ઘટના રાહત-પુનર્વસન મંત્રી વિજય શાહ રતલામ જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા બાદ બુધવારે પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ભાજપના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, જિલ્લામાં કલેક્ટર આ આદેશનો અમલ કરાવશે. ધોરણ 1 થી 12 સુધી પ્રાઈવેટ અને સરકારી સ્કૂલોમાં જન ગણ મન હોવું ફરજિયાત છે. બાળકો રોટેશન દ્વારા સ્કૂલમાં બેસશે.
વિજય શાહે આગળ કહ્યું કે, હવે રતલામ જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓ યસ સર કે યસ મેડમ નહીં બોલશે. હવે જય હિન્દ સર અને જય હિન્દ મેડમ બોલશે. જ્યારે વિદ્યાર્થીઓ જય હિન્દ સર બોલશે ત્યારે તેઓ હાથ ઉંચો કરીને બોલશે. વિદ્યાર્થીઓ દેશભક્તિ અને ઉત્સાહ સાથે જય હિન્દ સર બોલશે. તેમણે કહ્યું કે, આનાથી બાળકોમાં દેશભક્તિની ભાવના વધશે. હવે જિલ્લામાં દરેકે પ્રાઈવેટ અને સરકારી શાળાઓમાં જય હિન્દના નારા લગાવીને પોતાની હાજરી નોંધાવવાની રહેશે.
હરિયાણા સરકારે પણ આપ્યો આદેશ
હરિયાણા સરકારે પણ આવો જ આદેશ જારી કર્યો હતો કે રાજ્યની સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ સવારે ગુડ મોર્નિંગના બદલે જય હિન્દ બોલવું પડશે. આ નિર્ણયનો અમલ 15મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશનના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, આ પગલાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં 'દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ઊંડી ભાવના જગાડવાનો' છે.
સુભાષ ચંદ્ર બોઝે આપ્યો છે જય હિન્દનો નારો
હરિયાણા સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જય હિન્દનો નારો સુભાષ ચંદ્ર બોઝે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આપ્યો હતો. ભારતના સશસ્ત્ર દળોએ પણ જય હિન્દને સલામી તરીકે સ્વીકાર કર્યો હતો. સરકારે કહ્યું કે, હવે સ્કૂલોમાં ગુડ મોર્નિંગના બદલે જય હિન્દનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને દરરોજ રાષ્ટ્રીય એકતાની ભાવનાથી પ્રેરિત કરી શકાશે.