Get The App

મહાકુંભ જ નહીં અયોધ્યા-કાશી જતાં રસ્તાઓ પર ચક્કાજામ, MPના CMએ આપ્યા કડક આદેશ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
મહાકુંભ જ નહીં અયોધ્યા-કાશી જતાં રસ્તાઓ પર ચક્કાજામ, MPના CMએ આપ્યા કડક આદેશ 1 - image

Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સૌથી મોટી સંખ્યામાં લોકોની ભીડને પહોંચી વળવા માટે રેલ્વે અને સ્થાનિક વહીવટીતંત્રએ શ્રદ્ધાળુઓ માટે અનેક નવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. મહાકુંભની આસપાસના ઘણા વિસ્તારોમાં જામ અને બીજી અનેક મુશ્કેલીઓ હોવા છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. મહાકુંભમાં સ્નાન કરવા આવેલા અનેક શ્રદ્ધાળુઓમાંથી મોટી સંખ્યામાં લોકો આગળ વારાણસી અને અયોધ્યા જવાની યોજના ધરાવે છે. પ્રયાગરાજના એડિશનલ પોલીસ કમિશનર (ટ્રાફિક) શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, 'મહાકુંભ મેળામાંથી બહાર નીકળતી મોટાભાગની ભીડ કાશી અને અયોધ્યા તરફ જઈ રહી છે.' સરકારના મતે દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો મહાકુંભમાં સ્નાન કરી રહ્યા છે.        

1). એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનની બહાર ઊભેલી ભીડને કારણે સ્ટેશનની બહાર નીકળતા શ્રદ્ધાળુઓને થતી અસુવિધાને કારણે ઉત્તર રેલ્વે લખનૌ ડિવિઝનનું પ્રયાગરાજ સંગમ સ્ટેશન 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાથી 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે. જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય આઠ સ્ટેશનોથી નિયમિત અને ખાસ ટ્રેનો નિયમિતપણે દોડી રહી છે.

2). મહાકુંભ 2025માં આવનારા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તર-મધ્ય રેલ્વેએ પ્રયાગરાજ જંકશન સ્ટેશન પર આગામી આદેશ સુધી એક દિશામાં અવરજવરની વ્યવસ્થા લાગુ કરી છે. ઉત્તર મધ્ય રેલ્વેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, 'મુસાફરોની સલામતી અને સુવિધા માટે ફક્ત શહેર બાજુ(પ્લેટફોર્મ નંબર 1)થી પ્રવેશની મંજૂરી આપવામાં આવશે અને બહાર નીકળવાનો રસ્તો ફક્ત 'સિવિલ લાઇન્સ' બાજુથી જ રહેશે.

અનરિઝર્વ્ડ ટિકિટ ધરાવતા મુસાફરોને દિશાવાર આશ્રય સ્થાન તરફ પ્રવેશ આપવામાં આવશે. ટિકિટ વ્યવસ્થા અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર, એટીવીએમ અને મોબાઇલ ટિકિટિંગના રૂપમાં હશે. એ જ રીતે આરક્ષિત ટિકિટ ધરાવતા મુસાફરોને ગેટ નંબર પાંચથી પ્રવેશ આપવામાં આવશે અને તેમને ટ્રેનના આગમનના અડધા કલાક પહેલા પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે.'

3). પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા પૂરી રીતે પડી ભાંગી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરની સરહદથી લઈને આસપાસના વિસ્તારોમાં ભયંકર જામની સ્થિતિ થઈ ગઈ છે. જેમ-જેમ લોકો વધુ આવતા જાય છે તેમ જામ પણ વધતો જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ગાડીઓ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને લોકો માટે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. પ્રયાગરાજ તરફ આવવા વાળી ટ્રેનોની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. લોકો ટ્રેનોમાં પોતાનું સ્થાન મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરી રહ્યા છે. 

4). પ્રયાગરાજના એડિશનલ ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલીસ (ટ્રાફિક) કુલદીપ સિંહે જણાવ્યું હતું કે, 'ગયા કુંભ(વર્ષ 2019)માં ખાસ કરીને સામાન્ય દિવસોમાં આટલી ભીડ નહોતી આવી પરંતુ આ વખતે સામાન્ય દિવસોમાં આટલી ભીડ છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વારાણસીમાં પણ મોટી સંખ્યામાં ભીડ આવવાને કારણે વહીવટીતંત્રે શહેરમાં ઘણી જગ્યાએ ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. બહારના વાહનોને વારાણસીની બહાર જ રોકવામાં આવી રહ્યા છે.'

ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલીસ (કાશી ઝોન) ગૌરવ બંસલે જણાવ્યું હતું કે, 'ભીડને નિયંત્રિત કરવા માટે ઘણાં રૂટ પર ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભીડભાડવાળા સ્થળો પર સીસીટીવી અને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.' એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ રૂટ બદલવામાં આવ્યા છે.'

5). મહાકુંભની અસર પ્રયાગરાજના બાજુના જિલ્લા પ્રતાપગઢમાં પણ થઈ રહી છે. પ્રતાપગઢના ભૂપિયામઉ ક્રોસિંગથી પ્રયાગરાજ સુધી લાંબો જામ લાગ્યો છે. પ્રયાગરાજથી સ્નાન કરીને પાછા ફરતા ભક્તો પણ આ માર્ગે અયોધ્યા જઈ રહ્યા છે. લોકો કલાકો સુધી પોતાના વાહનોમાં બેઠા રહે છે. ખાવા-પીવામાં અનેક પ્રકારની અગવડતા હોય છે. જો કે, વહીવટીતંત્ર ડાયવર્ઝન દ્વારા લોકોને અન્ય માર્ગો દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.  

આ પણ વાંચો: હાઈવે પર ચક્કાજામ, ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નહીં: પ્રયાગરાજ જ નહીં MP સુધી લોકો પરેશાન

6). મધ્યપ્રદેશમાંથી પસાર થતાં રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કલાકો સુધી વાહનો જામમાં અટવાયેલા રહે છે. આ શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રથી આવતા ભક્તો જબલપુર, રેવા થઈને પસાર થઈ રહ્યા છે. જ્યારે છત્તીસગઢથી આવતા ભક્તો શહડોલ, રેવા થઈને જઈ રહ્યા છે.

દેશના અન્ય ભાગોમાંથી વાહનો રીવા જિલ્લાના ચકઘાટથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રૂટ પર હજારો વાહનો કલાકો સુધી ફસાયેલા રહે છે. આ વાહનોમાં મુસાફરી કરતાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મધ્યપ્રદેશ સરકાર અને ભાજપ સંગઠન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે, 'પ્રયાગરાજ મહાકુંભ 2025માં હાજરી આપવા માટે રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જવાના કારણે ચકઘાટ(રેવા)થી જબલપુર-કટની-સિઓની જિલ્લા સુધી ટ્રાફિક પ્રભાવિત થવાને કારણે આ માર્ગ અવરોધિત કરવામાં આવ્યો છે.' વાહનોમાં મોટાભાગના લોકો વૃદ્ધો, મહિલાઓ અને બાળકો છે.

7). મુખ્યમંત્રી મોહન યાદવે સંબંધિત વિસ્તારોના બધા જિલ્લા વહીવટીતંત્રથી લઈને શહેરની સરકારી સંસ્થાઓના તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી ભક્તો સહિત તમામ અસરગ્રસ્ત લોકો માટે ખોરાક, પાણી, યોગ્ય રહેઠાણ, શૌચાલય અને અન્ય નાગરિક સુવિધાઓ જેવી મૂળભૂત સુવિધાઓની તાત્કાલિક વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

8). સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે, મહાકુંભ મેળામાં આવતાં ભક્તોને ઘણી અસુવિધા થઈ રહી છે. યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું હતું કે, 'પ્રયાગરાજમાં ચારેબાજુ ટ્રાફિક જામને કારણે, ખાવા માટે અનાજ અને શાકભાજી-મસાલા ઉપલબ્ધ નથી. આ સિવાય દવાઓ, પેટ્રોલ-ડીઝલ પણ નથી. આના કારણે, પ્રયાગરાજ અને મહાકુંભ પરિસરમાં અને પ્રયાગરાજ તરફ જતાં રસ્તાઓ પર ફસાયેલા લાખો ભૂખ્યા, તરસ્યા, થાકેલા ભક્તોની હાલત દર કલાકે વધુ ખરાબ થઈ રહી છે. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે.'

9). 9 ફેબ્રુઆરી સુધીમાં મહાકુંભમાં 43.57 કરોડથી વધુ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું છે. 10 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું. પ્રયાગરાજમાં મા ગંગા, મા યમુના અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ પર છેલ્લા 30 દિવસથી શ્રદ્ધાની અખંડ લહેર છવાઈ ગઈ છે. જો આપણે દરરોજ ભક્તિભાવથી મહાકુંભમાં પહોંચતા ભક્તોની સંખ્યાનો અંદાજ લગાવીએ તો સરેરાશ 1.44 કરોડ લોકો દરરોજ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને પુણ્ય કમાઈ રહ્યા છે. ખાસ તહેવારો પર ભક્તોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.

29 જાન્યુઆરીએ મૌની અમાસના પ્રસંગે સૌથી વધુ 7.64 કરોડ લોકોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. જ્યારે તેના એક દિવસ પહેલા 28 જાન્યુઆરીએ 4.99 કરોડથી વધુ લોકોએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જ્યારે 14 જાન્યુઆરી(મકરસંક્રાંતિ)ના રોજ 3.50 કરોડ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું.

આ પણ વાંચો: પ્રયાગરાજમાં 'ટ્રાફિક'રાજ માટે તંત્ર જ જવાબદાર, જાણો ક્યાં થઈ ચૂક

10). સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને તેમણે પવિત્ર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. સ્નાન કર્યા પછી તેમણે પૂજા કરી અને પછી તેમના પૂર્વજોનું પિંડદાન કર્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ સોમવારે તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને માતા ગંગા, યમુના અને સરસ્વતીને નમન કર્યા હતા. અત્યાર સુધી મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (કેબિનેટ સહિત) સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

આ ઉપરાંત ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, શ્રીપદ નાઈક, ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી, રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ, આસામ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વજીત દૈમારી, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા માતા પ્રસાદ પાંડે સહિત ઘણાં VVIP એ અત્યાર સુધીમાં પવિત્ર સ્નાન કર્યું છે.

મહાકુંભ જ નહીં અયોધ્યા-કાશી જતાં રસ્તાઓ પર ચક્કાજામ, MPના CMએ આપ્યા કડક આદેશ 2 - image


Google NewsGoogle News