મફતિયું આપવાના રાજકારણના ચક્કરમાં હિમાચલ પાયમાલ, અન્ય રાજ્યો પણ દેવામાં ફસાઈ ગયા છે
Financial Debt Crisis In Various State Government: પર્વતોથી ઘેરાયેલા હિમાચલ પ્રદેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાજ્યની તિજોરી ખાલી થઈ રહી છે અને દેવાનો ડુંગર વધી રહ્યો છે. રાજ્યની આર્થિક સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ છે કે મુખ્યમંત્રી, મંત્રીઓ, મુખ્ય સંસદીય સચિવો અને કૉર્પોરેશનના ચેરમેન બોર્ડ આગામી બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં લે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ગુરુવારે કહ્યું કે, 'રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી, તેથી હું અને મંત્રીઓ આગામી બે મહિના માટે પગાર અને ભથ્થાં છોડી રહ્યા છે.'
રાજ્ય પર દેવાનો ભાર ખૂબ વધી ગયો
અઢી વર્ષ પહેલા હિમાચલની સત્તા પર આવેલી કોંગ્રેસ સરકાર સતત દેવાના બોજમાં ડૂબી રહી છે. રાજ્યની આ કંગાળ આર્થિક પરિસ્થિતિ માટે સરકારની મફતની રેવડીનું વિતરણ કરવાની નીતિને જવાબદાર ગણવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે અનેક મફત યોજનાઓનું વચન આપ્યું હતું. સરકાર બન્યા પછી વચનો પૂરા કરવામાં આવ્યા, જેનાથી રાજ્ય પર દેવાનો ભાર ખૂબ વધી ગયો.
રિઝર્વ બૅંકના રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ સત્તામાં આવી તે પહેલાં રાજ્ય પર માર્ચ 2022 સુધી 69 હજાર કરોડ રૂપિયાથી ઓછું દેવું હતું. પરંતુ કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ માર્ચ 2024 સુધીમાં રાજ્ય પરનું દેવું 86,600 કરોડથી વધુ થઈ ગયું છે. માર્ચ 2025 સુધીમાં હિમાચલ સરકારનું દેવું વધીને લગભગ 95 હજાર કરોડ રૂપિયા થઈ જશે.
હિમાચલમાં દરેક વ્યક્તિ પર 1.17 લાખ રૂપિયાનું દેવું
સરકારમાં આવ્યા બાદ કોંગ્રેસ સરકારે ચૂંટણીમાં આપેલા વચનો પાળવા પાછળ જંગી ખર્ચ કરવાનું શરુ કર્યું હતું. હિમાચલ સરકાર તેના બજેટનો 40 ટકા ભાગ પગાર અને પેન્શન ચૂકવવામાં ખર્ચે છે. લગભગ 20 ટકા લોન અને વ્યાજની ચૂકવણીમાં ખર્ચવામાં આવે છે. સુખુ સરકાર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપે છે, જેના લીધે વાર્ષિક 800 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં સરકારે જૂની પેન્શન યોજના પણ લાગુ કરી છે, જેના કારણે રાજ્યની તિજોરી પર વધારાનો 1,000 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. જ્યારે મફત વીજળી પાછળ વાર્ષિક 18 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આ ત્રણેય યોજનાઓ પર સરકાર અંદાજે 20 હજાર કરોડ રૂપિયા ખર્ચી રહી છે.
હિમાચલની સુખુ સરકારને વધારે આંચકો ત્યારે લાગ્યો જ્યારે કેન્દ્ર સરકારે રાજ્યની લોન લેવાની મર્યાદામાં ઘટાડો કર્યો. અગાઉ હિમાચલ સરકાર તેની જીડીપીના 5 ટકા સુધીની લોન લઈ શકતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે તે મર્યાદા 3.5 ટકા સુધીની કરી દીધી છે. એટલે કે, હવે સરકાર માત્ર 9 હજાર કરોડ રૂપિયા જ ઉધાર લઈ શકશે, અગાઉ સરકાર 14,500 કરોડ રૂપિયા સુધી ઉધાર લઈ શકતી હતી. આરબીઆઇના રિપોર્ટ અનુસાર હિમાચલ રાજ્યનું દેવું પાંચ વર્ષમાં 30 હજાર કરોડ રૂપિયા વધી ગયું છે. હાલમાં રાજ્ય પર 86 હજાર કરોડ રૂપિયાથી વધારાનું દેવું છે. હિમાચલમાં દરેક વ્યક્તિ પર 1.17 લાખ રૂપિયાનું દેવું છે.
પગાર અને ભથ્થાં નહીં લે તો પણ કંઈ બહુ મોટો ફરક નહીં પડે
હિમાચલમાં જો મુખ્યમંત્રી, મંત્રી અને સંસદીય સચિવ બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં લે તો કંઈ બહુ મોટો ફરક નહીં પડે. જો મુખ્યમંત્રી, મંત્રીઓ અને સંસદીય સચિવો બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં લે તો કુલ 85 લાખ રૂપિયાની બચત થશે. જ્યારે હિમાચલ સરકાર પર માર્ચ 2025 સુધીમાં લગભગ 95 હજાર કરોડ રૂપિયાનું દેવું હશે. જેથી સુખુ સરકારના આ નિર્ણયથી રાજ્યની આર્થિક સ્થિતિમાં કોઈ સુધાર થવાની સંભાવના નથી.
આ પણ વાંચો: ઈલોન મસ્કને સૌથી મોટો ઝટકો, 'X' સામે પ્રતિબંધ મૂક્યો આ દેશની કોર્ટે, કંપનીએ કઈ ભૂલ કરી?
રાજ્ય સરકારોનો સબસિડી પર ખર્ચ સતત વધી રહ્યો છે
આરબીઆઇના રિપોર્ટમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારનો સબસિડી પર ખર્ચ સતત વધી રહ્યો છે. રાજ્ય સરકારોએ વર્ષ 2021-22 દરમિયાન કુલ ખર્ચના 12.9 ટકા સબસિડી પર ખર્ચ્યા છે. રાજ્ય સરકાર સબસિડીને બદલે હવે મફત રેવડીઓ આપી રહી છે. જેથી સરકાર એવી જગ્યાએ ખર્ચ કરી રહી છે જ્યાંથી તેને કોઈ આવક થતી નથી. વર્ષ 2018-19 દરમિયાન તમામ રાજ્ય સરકારોએ સબસિડી પર 1.87 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જયારે વર્ષ 2022-23માં આ ખર્ચ વધીને 3 લાખ કરોડને પાર કરી ગયો હતો. આ જ રીતે માર્ચ 2019 સુધી તમામ રાજ્ય સરકારો પર 47.86 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. જે માર્ચ 2024 સુધીમાં વધીને 75 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. અને માર્ચ 2025 સુધીમાં આ દેવું વધીને 83 લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે.
આ રાજ્યો દેવાળિયું ફૂંકી શકે
મફતની રેવડીને લઈને રાજ્ય સરકાર આગામી સમયમાં વધારે કપરી સમસ્યાઓનો સામનો કેરવો પડી શકે છે. આરબીઆઇએ ગયા વર્ષે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ, બિહાર, ગોવા, હિમાચલ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યો આર્થિક સંકટ હેઠળ છે. કેટલાક એવા રાજ્યો પણ છે કે જેમનું દેવું વર્ષ 2026-27 સુધીમાં રાજ્યની જીડીપીના 30 ટકાથી વધુ થઈ શકે છે. તેમાં પંજાબની હાલત સૌથી ખરાબ હશે. ત્યારે પંજાબ સરકારનું દેવું રાજ્યની જીડીપીના 45 ટકા સુધી પહોંચી ગયું હશે. રાજસ્થાન, કેરળ અને પશ્ચિમ બંગાળનું દેવું રાજ્યની જીડીપીના 35 ટકા સુધી રહેવાની શક્યતા છે.
મફતમાં આપવાનું રાજકારણ સરકારને 'નાદાર' બનાવશે
આરબીઆઇના જણાવ્યા અનુસાર, એવી યોજનાઓ કે જેનાથી ધિરાણ લેવામાં મુશ્કેલી પડે, સબસિડીના કારણે કિંમતોમાં વધારે ફેરફાર થાય, અને જેને લીધે ખાનગી રોકાણમાં ઘટાડો અને લેબર ફોર્સની ભાગીદારી ઘટાડતી યોજનાઓ મફતની રેવડી છે. શું મફત રેવડી આપવી અને સરકારની કલ્યાણકારી યોજનાઓ એક જ છે કે અલગ? સામાન્ય રીતે ચૂંટણી પહેલા મફતની રેવડી આપવાની જાહેરાત કરવામાં આવે છે, જ્યારે કલ્યાણકારી યોજનાઓ કોઈપણ સમયે લાગુ કરી શકાય છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે અનેક વચનો આપે છે, પરંતુ તેનો બોજ સરકારી તિજોરી પર પડે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે કરદાતાઓના નાણાંનો ઉપયોગ કરીને મફતમાં રેવડીઓ વહેંચવાથી તે સરકારને 'નાદારી' તરફ ધકેલી શકે છે.
આ પણ વાંચો: મોદી સરકાર 3.0 નો કપરો સમય, GDP ઘટીને 15 મહિનાની નીચલી સપાટી 6.7% ને સ્પર્શ્યો
ભવિષ્યની પેઢી પર મસમોટા દેવાનો બોજ
આરબીઆઇના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવ અનુસાર, 'ખાનગી કંપની હોય કે સરકાર, આદર્શ તો એ જ છે કે ભવિષ્યમાં આવક ઊભી કરીને કોઈપણ દેવાની ચૂકવણી કરવી જોઈએ. જો દેવાની રકમ વર્તમાન વપરાશ પર ખર્ચવામાં આવી રહી હોય અને ભવિષ્યમાં વિકાસ પર તેની કોઈ અસર થતી નથી, તો આપણે ભવિષ્યની પેઢી પર દેવાની ચૂકવણીનો બોજ નાખી રહ્યા છીએ. આનાથી મોટું કોઈ પાપ ન હોઈ શકે.
આરબીઆઇએ જૂન 2022માં એક અહેવાલમાં શ્રીલંકાના આર્થિક સંકટનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે ઘણાં રાજ્યોમાં દેવું એટલું વધી ગયું છે કે ભવિષ્યમાં સ્થિતિ ખૂબ કથળી જઈ શકે છે. સરકારોએ બિનજરૂરી જગ્યાઓ પર નાણાં ખર્ચવાનું ટાળવું જોઈએ અને તેમના પર રહેલું દેવું સ્થિર કરવું જોઈએ. આ સિવાય વીજ કંપનીઓએ ખોટમાંથી વસૂલ કરવાની જરૂર છે. અને સરકારોએ મૂડી રોકાણ વધારવું જોઈએ, જેથી તેઓ ભવિષ્યમાં નાણાં કમાઈ શકે.