માત્ર દિલ્હી એનસીઆર જ નહીં, પાકિસ્તાનનાં પંજાબથી બંગાળના ઉપસાગર સુધી પ્રદૂષણ છવાઈ રહ્યું છે
- વિશ્વનાં છ સૌથી વધુ પ્રદૂષિત નગરોમાં દિલ્હી ટોચ પર
- નાસાએ સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત તસ્વીરો પરથી આ પ્રદૂષણ દેખાય છે, દિલ્હીમાં ૯થી ૧૮ સ્કૂલો બંધ : ટેક્ષીઓ પર પ્રતિબંધ : ઓડ ઇવન રૂલ લાગુ થશે
નવી દિલ્હી : નાસાએ પોલ્યુશન અંગે તેના સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસ્વીરો પ્રસિધ્ધ કરી છે. તે ઉપરથી જાણવા મળે છે કે આ પોલ્યુશન માત્ર દિલ્હી એનસીઆર પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ પાકિસ્તાનનાં પંજાબથી શરૂ કરી બંગાળના ઉપસાગર સુધીના પટ્ટામાં છવાઈ રહ્યું છે. આથી સરકારે પગલાં લેવાં શરૂ કર્યાં છે. તેવે ૯થી ૧૮ નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવા આદેશ આપી દીધો છે. ઓલા અને ઉબેર ટેક્ષીઓ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ખાનગી વાહનો માટે ઓડ ઇવન રૂલ લાગુ કરાયો છે. પાટનગરની હવા એટલી હદે પ્રદૂષિત થઇ છે કે ત્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું છે.
બુધવારે સવારે, દિલ્હીના કેટલાયે વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ૫૦૦થી ઉપર પહોંચી ગયો છે. દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત છ શહેરોમાં દિલ્હી ટોચના ક્રમે છે.
આ પૂર્વે મંગળવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સાથે તત્કાળ મંત્રણા કરી ખેતરોમાં પરાળી સળગાવવાની ઘટનાઓ કઇ રીતે રોકી શકાય તેના ઉપાયો શોધો. અદાલતે ત્યાં સુધી કહ્યું કે લોકોનાં આરોગ્યની હત્યા થતી રોકો. આ મુદ્દે રાજકીય લડાઈ હોઈ શકે જ નહીં.
નાસાના આંકડાઓ ઉપરથી જાણવા મળે છે કે ૨૯ ઓક્ટો. પછી ખેતરોમાં આગ લગાડવાના (પરાળી સળગાવવાના) બનાવોમાં તેજી આવી છે. પંજાબમાં ૨૯ ઓક્ટોબરે ૧૦૬૮ ખેતરોમાં આગ લગાડવાની ઘટનાઓ સાથે પરાળી સળગાવવાની ઘટનાઓમાં ૭૪૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ આંક એક જ દિવસમાં પરાળી સળગાવવાની બનેલી ઘટનાઓ પૈકી સૌથી વધુ છે.