ટ્રમ્પને મત આપનારા પુરુષો સાથે લગ્નઅને ડેટિંગ નહીં
ટ્રમ્પ ચૂંટાતા અમેરિકન મહિલાઓ વીફરી
સોશિયલ મીડિયા પર પુરુષોનો બહિષ્કાર કરવાનું મહિલાઓએ અભિયાન શરૂ કર્યુ
ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ અમેરિકામાં ઘણી મહિલાઓએ ટ્રમ્પને વ્હાઇટ હાઉસ પહોંચાડનારા પુરુષો સામે હલ્લો બોલાવ્યો છે. તેઓએ દક્ષિણ કોરીયાની મહિલાવાદી ચળવળની જેમ પુરુષોનો બહિષ્કાર કરવાનો પ્રારંભ કર્યો છે, જેમણે આ ચૂંટણીમાં ટ્રમ્પને મત આપ્યો છે. અમેરિકામાં તેને ૪બીનું નામ આપવામાં આવ્યું છે.
આ મહિલાઓએ આગામી ચાર વર્ષ સુધી ટ્રમ્પને મત આપનારા પુરુષોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આમ આગામી ચાર વર્ષ સુધી આ મહિલાઓ આ પુરુષો સાથે નહીં તો લગ્ન કરે, નહીં ડેટિંગ કરે કે નહીં તેમના બાળકોને જન્મ આપે. આ ચળવળ હેઠળ મહિલાઓને ડેટિંગ એપ જ ડીલીટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
અમેરિકાની આ મહિલાઓએ ૨૦૧૦મના દાયકામાં દક્ષિણ કોરીયામાં ૪બી ચળવળની જેમ જ પુરુષોનો બહિષ્કાર કર્યો છે. કોરિયન ભાષામાં બીનો અર્થ થાય છે ના. આમ ફોર-બીનો અર્થ ચાર વખત ના થાય છે. આ ચાર નામાં પુરુષો સાથે ડેટિંગ, સેક્સ, મેરેજ અને બાળકોને જન્મ આપવાને લઈને ના પાડવામાં આવી છે.
અમેરિકામાં મહિલાઓ મોટાપાયા પર કમલા હેરિસને જોવા ઇચ્છતી હતી, પરંતુ તેમ ન થઈ શક્યું. ટ્રમ્પની છાપ મહિલા વિરોધી છે. તેમના પર વિવિધ કોર્ટોમાં મહિલાઓના જાતીય શોષણના કેસ ચાલી રહ્યા છે. તે હંમેશા મહિલાઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં રહે છે. અમેરિકામાં ગર્ભપાતના કાયદાને લઈને ટ્રમ્પના વલણથી પણ મહિલાઓ નારાજ છે.