બેરિકેડિંગ કે માર્કિંગ પોઈન્ટ જ નહી... આ 15 બેદરકારીના કારણે હાથરસમાં 121થી વધુ મોત
Hathras: ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં મહિલા, બાળકો સહિત 121 થી વધુ લોકોના મોત થયા છે. બાબા ભોલે પશ્ચિમ યુપીમાં ખૂબ પ્રખ્યાત છે. તેમના લાખો ભક્તો અને અનુયાયીઓ છે. તેમના સત્સંગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. સત્સંગ નેતા 'ભોલે બાબા' અકસ્માત બાદ ફરાર થઇ ગયા છે.
એવું કહેવાય છે કે, આયોજકોએ 80 હજાર લોકો માટે મંજૂરી માગી હતી, પરંતુ અઢી લાખ લોકો આવ્યા હતા. આ સ્થિતિમાં આયોજકોએ નક્કી ધારાધોરણો મુજબ ઘણી વ્યવસ્થા કરવી જોઈતી હતી, જે સત્સંગ કાર્યક્રમમાં હતી જ નહીં.
આ બેદરકારી પ્રકાશમાં આવી
1. પ્રથમ એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ બનાવાયો ન હતો.
2. માર્કિંગ કરીને પોઈન્ટ બનાવવા જરૂરી છે, પરંતુ ક્યાંય માર્કિંગ દેખાતું ન હતું.
3. ઇમરજન્સી રસ્તો બનાવવામાં નહોતો આવ્યો.
4. 80 હજાર લોકો માટે મેડિકલ ટીમ પણ નહોતી.
5. મેડિકલ ટીમ હતી કે નહીં તે પણ તપાસનો વિષય છે.
6. ત્યાં ઓછામાં ઓછી 5 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, જે ત્યાં ન હતી.
7. લોકોની હાજરી પ્રમાણે કુલર અને પંખાની કોઈ વ્યવસ્થા નહોતી.
8. ભીડની તુલનામાં ખૂબ જ ઓછા સ્વયંસેવકો હતા.
9. વહીવટીતંત્ર દ્વારા તૈનાત બળ નહીવત હતું.
10. ખાવા-પીવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી.
11. બાબાનો કાફલો જે માર્ગ પરથી પસાર થતો હતો તેના પર કોઈ બેરિકેડિંગ નહોતું.
12. આયોજકોએ જે પરવાનગી લીધી તેમા દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
13. આખા મેદાનને સમતળ કરીને ઓછામાં ઓછી 10 એકર જમીનને બરાબર કરવાની હતી, જે કરવામાં આવી ન હતી.
14. મેદાનની ચારે બાજુ આવવા-જવા માટે રસ્તો બનાવવાનો હતો, જે ના બની શક્યો. માત્ર એક નાનો ધૂળિયો રસ્તો હતો.
15. મંજૂરી લેવા અને આપવા બંનેમાં મોટા પાયે બેદરકારી થઈ હતી.
નારાયણી સેના
બાબાએ પોતાની સુરક્ષા માટે મેલ અને ફિમેલ ગાર્ડ રાખ્યા હતા. જેને તેમણે નારાયણી સેના નામ આપ્યું છે.બાબાએ પોતાના સેવકોને પોતાની સુરક્ષામાં રાખ્યા હતા. આ સાથે જ્યાં પણ તેમનો સત્સંગ થતો હતો. તેની તમામ વ્યવસ્થા બાબાના સેવકો જ સંભાળતા હતા. આ સેનાનુ નામ નારાયણી સેના આપવામાં આવ્યુ છે. આ સેના આશ્રમથી લઇને પ્રવચન સુધીની સેવા કરે છે.
કહેવાય છે કે જ્યારે બાબા ભોલેનો કાફલો આગળ વધતો ત્યારે તેમના અંગત રક્ષકો કમાન્ડોની જેમ આગળ જતા હતા. બાબાનો દરજ્જો એવો હતો કે મોટા મોટા લોકો પણ તેમના સત્સંગમાં આવતા હતા. આ સિવાય પ્રવચન સુધી બાબા માટે એક અલગ રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પર બાબાનો કાફલો જ નિકળી શકતો હતો. આ સિવાય અન્ય કોઇને જવાની અનુમતિ નહોતી.