ધરપકડના ડરથી ઇડી સમક્ષ હાજર થતો નથી : કેજરીવાલ
- ઇડીના સમન્સ સામે મુખ્યપ્રધાન દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યા
- ઇડી ધરપકડ નહીં કરવાની ખાતરી આપે તો કેજરીવાલ હાજર થવા તૈયાર ઃ વકીલ અભિષેક મનુ સિંઘવી
- કેજરીવાલની અરજી પર હાઇકોર્ટે ઇડીને બે સપ્તાહની અંદર જવાબ આપવા કહ્યું ઃ કેસની આગામી સુનાવણી ૨૨ એપ્રિલે થશે
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તરફથી જારી કરવામાં આવેલા સમન્સની વિરુદ્ધ હાઇકોર્ટ પહોંચેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી થઇ હતી.
જો કે કોર્ટે તેમને કોઇ તાત્કાલિક રાહત આપ્યા વગર સુનાવણી એક મહિના માટે મોકૂફ રાખી છે. હવે જોવાનું એ રહેશે કે તે આવતીકાલે ઇડી સમક્ષ હાજર થશે કે નહીં. ઇડીએ તેમને નવમું સમન્સ મોકલીને ૨૧ માર્ચે હાજર થવા જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની અરજી પર ન્યાયમૂર્તિ સુરેશ કુમાર કૈત અને ન્યાયમૂર્તિ મનોજ જૈનની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે કેજરીવાલને પૂછ્યું હતું કે ૯ વખત સમન્સ જારી કરાયા હોવા છતાં અત્યાર સુધી કેમ હાજર થયા નથી ? હાજર થવામાં કઇ સમસ્યા છે? અરવિંદ કેજરીવાલની તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધરપકડની આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના અસીલ એજન્સીની સામે હાજર થવા માટે તૈયાર છે પણ શરત એટલી છે કે તેમની ધરપકડ કરવામાં ન આવે તથા આ અંગેની ખાતરી આપવામાં આવે.
દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલની અરજી અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પાસે જવાબ માંગ્યો છે. ઇડીએ જણાવ્યું હતું કે અરજી સુનાવણી માટે લાયક નથી અને આ અંગે જવાબ રજૂ કરવામાં આવશે. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસની આગામી સુનાવણી ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ કરાશે. જો કે હાઇકોર્ટે ઇડીના સમન્સ પર સ્ટે મૂક્યો નથી અને કેજરીવાલ માટે કોઇ આદેશ પણ જારી કર્યો નથી.
ઇડીને જવાબ દાખલ કરવા માટે હાઇકોર્ટે બે સપ્તાહનો સમય આપ્યો છે. ઇડી વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ જણાવ્યું હતું કે પીએમએલએની જોગવાઇઓની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટે અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી છે.