કેજરીવાલને ઓફિસ જવાની પરવાનગી નહીં, કોઈ ફાઇલ પર સહી નહીં કરી શકે: આ શરતો પર SCએ આપ્યા જામીન
Arvind Kejriwal Bail : સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને કેટલીક શરતોને આધીન એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, કેજરીવાલ જામીન દરમિયાન આ કેસમાં પોતાની ભૂમિકા અંગે કોઈપણ ટિપ્પણી નહીં કરી શકે. તેઓ કોઈપણ સાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે તેમજ કેસને કોઈપણ પ્રકારે પ્રભાવિત નહીં કરી શકે. આ ઉપરાંત કેસ સંબંધી કોઈપણ સત્તાવાર ફાઈલ તરફ પહોંચ વધારી નહીં શકે.
કેજરીવાલ CM કાર્યાલય-સચિવાલય નહીં જઈ શકે
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય અથવા દિલ્હી સચિવાલય નહીં જઈ શકે. તેઓ એલજીની મંજૂરી મેળવવા માટે જરૂરી હોય ત્યારે જ સત્તાવાર ફાઇલો પર સહી કરશે. તેમણે બે જૂને સરેન્ડર કરી દેવું પડશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેજરીવાલે હવે સીધું જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ સામે બેલ બૉન્ડ ભરવાનો રહેશે, એટલે કે હવે તેમણે ટ્રાયલ કોર્ટમાં જવાની જરૂર નથી.
કોર્ટે કેજરીવાલને આ શરતો પર આપ્યા જામીન
- કેજરીવાલે 50 હજાર રૂપિયાના જામીન બોન્ડ સાથે સમાન રકમના જામીન બોન્ડ જમા કરાવવાના રહેશે.
- તેઓ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયમાં જઈ શકશે નહીં.
- કેજરીવાલે કોર્ટમાં આપેલા નિવેદન મુજબ તેઓ દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી મેળવવા માટે જરૂરી હોય ત્યારે જ સત્તાવાર ફાઇલો પર સહી કરી શકશે.
- તેઓ હાલના કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈપણ ટિપ્પણી નહીં કરી શકે.
- કેજરીવાલ કોઈપણ સાક્ષીઓ સાથે વાતચીત કરશે નહીં અને કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઈલો સુધી પહોંચશે નહીં.
કેજરીવાલે બીજી જૂને આત્મસમર્થન કરવાનું રહેશે
ઉલ્લેખનીય છે કે, દિલ્હી લિકર પૉલિસી કૌભાંડ (Delhi Liquor Scam,) સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલને પહેલી જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને કહ્યું છે કે, ‘તેઓ આગામી બીજી જૂને આત્મસમર્પણ કરી દે.’ જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો. કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે પત્ની સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal), પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann), આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠક સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેજરીવાલની જેલમાં બહાર આવવાની ખુશીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ ફટાકડા ફોડીને પણ ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ પણ ખવડાવી હતી.
કેજરીવાલે સુપ્રીમ કોર્ટેનો માન્યો આભાર
તિહાર જેલથી મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આભાર. આપ સૌનો આભાર. કરોડો લોકોનો આભાર. તમારી વચ્ચે આવીને ખુબ સારું લાગી રહ્યું છે. દેશને તાનાશાહીથી બચાવવાનો છે. તાનાશાહી વિરૂદ્ધ સંઘર્ષ છે. કાલે એક વાગ્યે આપ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરીશું. કાલે 11 વાગ્યે હનુમાન મંદિર, CPમાં મળીશું. વધુમાં વધુ લોકો હનુમાન મંદિર આવશે.