રશિયા-યુક્રેન યુદ્ધમાં આ દેશે કરી દખલગીરી,10,000 સૈનિકો મોકલ્યા હોવાનો દાવો
Russia Ukrain War: યુક્રેન વિરૂદ્ધ જંગમાં રશિયાનો મિત્ર દેશ ઉત્તર કોરિયા મેદાનમાં ઉતર્યો છે. રશિયામાં ઉત્તર કોરિયાએ પોતાના 10 હજાર સૈનિકો લડવા માટે મોકલ્યા છે. જેઓ યુક્રેન વિરૂદ્ધ મોસ્કોમાં યુદ્ધ લડશે. NATO એ આ અંગે જણાવ્યું હતું.
ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)એ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાના અમુક સૈનિકો રશિયા પહોંચ્યા છે. 10 હજાર સૈનિકોને મોસ્કોમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયામાં ઉત્તર કોરિયાની સેનાની ઉપસ્થિતિને અત્યંત ખતરનાક ગણાવી છે.
NATO એ શું કહ્યું?
NATO એ જણાવ્યું હતું કે, યુક્રેનની સાથે રશિયાનું લગભગ ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હવે ઉત્તર કોરિયા પણ સામેલ થયુ છે. રશિયાની મદદ માટે તેણે પોતાના સૈનિકોને મોસ્કો મોકલ્યા છે. જેમાંથી અમુક સૈનિકો અગાઉથી જ રશિયાના કુર્સ્ક સરહદ પર તૈનાત છે.
આ પણ વાંચોઃ ભાજપની નારાજગી છતાં મહારાષ્ટ્રના આ નેતાએ ધાર્યું કરી બતાવ્યું, અજીત પવારે લીધો મોટો નિર્ણય
NATO ના મહાસચિવ માર્ક રૂટે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાના સૈનિકોને રશિયામાં તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ કુર્સ્ક વિસ્તારમાં તૈનાત છે. આ પગલાંથી રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા પણ જોડાયુ હોવાનું ખાતરી થાય છે. પેન્ટાગને દાવો કર્યો છે કે, આ સૈનિક યુક્રેન વિરૂદ્ધ લડી રહ્યા છે. પેન્ટાગનના પ્રવક્તા સબરીના સિંહે જણાવ્યું હતું કે, આ સૈનિકોને ટ્રનિંગના નામે રશિયા મોકલવામાં આવ્યા છે. પરંતુ તેઓ યુક્રેન વિરૂદ્ધ લડાઈ લડવા તૈનાત છે.
વધુમાં જણાવ્યું હતું કે, રશિયા આ સૈનિકોનો ઉપયોગ યુક્રેન વિરૂદ્ધ યુદ્ધમાં કરી રહ્યુ છે. જે ચિંતાનો વિષય છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને પહેલાં જ સાર્વજનિક રૂપે રશિયાને ચેતવણી આપી હતી કે, જો ઉત્તર કોરિયાના સૈનિકોનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવે તો, તેનાથી હિંદ-પ્રશાંત મહાસાગરની સુરક્ષા પર અસર થશે.
પુતિને લીધી હતી ઉત્તર કોરિયાની મુલાકાત
જૂનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. 24 વર્ષ બાદ પુતિન ઉત્તર કોરિયા ગયા હતા. જ્યાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને તેમનુ સ્વાગત કર્યુ હતું. તે પહેલાં ગતવર્ષે સપ્ટેમ્બરમાં કિમ જોંગ ઉને રશિયાના વ્લાદિવોસ્તોક શહેરની મુલાકાત લીધી હતી.