Get The App

ઉત્તર ભારત અગનભઠ્ઠી બન્યું 25 ચૂંટણી કર્મચારી સહિત 40નાં મોત

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
ઉત્તર ભારત અગનભઠ્ઠી બન્યું 25 ચૂંટણી કર્મચારી સહિત 40નાં મોત 1 - image


- દિલ્હી પછી હવે નાગપુરમાં સેન્સરમાં ખામીના કારણે પારો ૫૬ ડિગ્રીએ પહોંચ્યો, તપાસનો સરકારનો આદેશ

- દેશમાં હીટવેવના કારણે આ સિઝનમાં 270નાં મોત, ઉત્તર પ્રદેશમાં 160, બિહારમાં 65, ઓડિશામાં 41નો ભોગ લેવાયો

- ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ફરજ નિભાવતા 17 હોમગાર્ડ હોસ્પિટલમાં દાખલ, કુલ 1,300થી વધુ હીટસ્ટ્રોકનો ભોગ બન્યા

નવી દિલ્હી : ભારતમાં એકબાજુ દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે બીજીબાજુ ઉત્તર ભારત અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર ભારતમાં હીટવેવના કારણે ૪૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટલીક બેઠકો પર લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે આ બે રાજ્યોમાં હિટવેવ સંબંધિત  સમસ્યાથી ૨૫ ચૂંટણી કર્મચારીઓના મોત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. દેશમાં હીટવેવના કારણે અત્યાર સુધીમાં ૨૭૦થી વધુ લોકોનાં મોત થઈ ગયા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૬૦ લોકો મોતને ભેટયા છે. બિહારમાં ૬૫ અને ઓડિશામાં ૪૧ લોકોએ ગરમીના કારણે જીવ ગુમાવ્યા છે. દરમિયાન દિલ્હી પછી નાગપુરમાં સેન્સરમાં ખામીના કારણે ૫૬ ડિગ્રી તાપમાન નોંધાતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને તપાસનો આદેશ અપાયો હતો.

દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન શનિવારે થવાનું છે ત્યારે અગનભઠ્ઠી બનેલા ઉત્તર ભારતમાં ચૂંટણી કર્મચારીઓની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં હીટવેવના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે હોમગાર્ડના ૧૭થી વધુ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં શુક્રવારે સાંજે ચૂંટણી ફરજમાં જઈ રહેલા ત્રણ મતદાન કર્મચારી સહિત છ હોમગાર્ડ જવાનોનાં મોત નીપજ્યાં હતા. એ જ રીતે સોનભદ્ર જિલ્લામાં પણ ગરમીએ ત્રણ મતદાન કર્મચારીનો ભોગ લીધો હતો. 

બિહારમાં ૧૦ ચૂંટણી કર્મચારીઓ મોતને ભેટયા હતા. જોકે, આ બધાના મોત કેવી રીતે થયા છે તે અંગે હજુ સુધી ડૉક્ટરોએ કશું જણાવ્યું નથી, પરંતુ તેમના મોત હીટસ્ટ્રોકથી થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

વધુમાં ઝારખંડ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો ભયાનક ગરમીની ઝપેટમાં આવી ગયા છે. શુક્રવારે સવારથી જ લૂ લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ કારણે લોકોએ પોતાના ઘરોમાં કેદ રહેવાનું પસંદ કર્યું હતું. શુક્રવારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કર્મચારીઓ સહિત કુલ ૧૭, બિહરમાં ૧૪, ઓડિશામાં પાંચ અને ઝારખંડમાં ચાર સહિત કુલ ૪૦ લોકોનાં મોત નોંધાયા છે. આ સિવાય ૧,૩૦૦થી વધુ લોકોને હીટસ્ટ્રોકની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી હીટવેવની ભયાનક સ્થિતિ વચ્ચે શનિવારે આઠ રાજ્યોની ૫૭ બેઠકો પર લોકસભાના અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું હોવાથી ચૂંટણી કર્મચારીઓએ ફરજ નિભાવવા મજબૂર બન્યા છે. ભારતીય હવામાન વિભાગ મુજબ દેશમાં શુક્રવારે સૌથી મહત્તમ તાપમાન કાનપુરમાં ૪૮.૨ ડિગ્રી, હરિયાણાના સિરસામાં ૪૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીના મુંગેશપુરમાં ગુરુવારે ૫૨.૯ ડિગ્રી તાપમાન નોંધાતા હડકંપ મચી ગયો હતો ત્યારે શુક્રવારે દિલ્હીમાં તાપમાન ૪૭ ડિગ્રી નોંધાયું હતું.

દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભયાનક હીટવેવની સ્થિતિએ અત્યાર સુધીમાં ૨૭૦થી વધુ લોકોના જીવ લીધા છે. ઉત્તર પ્રદેશમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં ૧૬૦ લોકોના મોત થઈ ગયા છે જ્યારે બિહારમાં ૬૫ અને ઓડિશામાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીમાં પણ ૧૧ લોકોના મોત થયા હતા. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી સે. સુધીનો ઘટાડો થવા છતાં ભયાનક ગરમીનો દોર ચાલુ છે.

દરમિયાન દિલ્હીના મુંગેશપુરમાં ગુરુવારે ૫૨.૯ ડિગ્રી તાપમાન નોંધાતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગયો હતો. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી હવામાન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે મુંગેશપુરમાં તાપમાન નોંધતા કેન્દ્રમાં ઓટોમેટિક સેન્સરમાં ખામીના કારણે ૫૨.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે હકીકતમાં તાપમાન ૪૫ ડિગ્રી નોંધાયું હતું. એ જ રીતે શુક્રવારે નાગપુરમાં મહત્તમ તાપમાન ૫૬ ડિગ્રી નોંધાતા ફરી સરકારી તંત્રે તપાસનો આદેશ આપ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે, નાગપુરમાં પણ વાસ્તવિક તાપમાન ૪૪ ડિગ્રી જેટલું હતું, પરંતુ ઓટોમેટિક સેન્સરમાં ખામીના કારણે તાપમાન ૫૬ ડિગ્રી નોંધાયું હતું.

નાગપુરમાં ગરમી 56 નહીં 44 ડિગ્રી હતી અસહ્ય ગરમીથી સેન્સરમાં ખામી સર્જાઇ

- ચોમાસુ બંગાળનો ઉપસાગર, ત્રિપુરા, મેઘાલય, આસામ, સિક્કિમમાં આગળ વધ્યું : કેરળ, કર્ણાટકમાં પણ પ્રવેશ થશે

મુંબઇ : એક તરફ ૨૦૨૪ની  ૩૦, મે એ વર્ષા ઋતુનું આગમન કેરળના સમુદ્રમાં મુશળધાર વરસાદ સાથે  થયું છે. બીજીબાજુ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારામાં પ્રિ -મોન્સુન શાવર્સનો  ભીનો ભીનો માહોલ પણ સર્જાયો છે.

આમ છતાં ૨૦૨૪ની ૩૦,મે એ મહારાષ્ટ્રના વિદર્ભના જ નાગપુરમાં ગરમીનો  પારો ૫૬.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો અતિ ધગધગતો નોંધાયો હોવાના ચિંતાજનક  સમાચાર  ફેલાયા છે.હજી  ૨૯,મે એ તો ભારતની રાજધાનીમાં પણ  ગરમીનો પારો ૫૨.૦ ડિગ્રી  સેલ્સિયસ જેટલો ઉકળતો નોંધાયો હોવાના સમાચારથી પણ નાગરિકોમાં ચિંતા ફેલાય તે સ્વાભાવિક છે.

હવામાન વિભાગ(નાગપુર કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મોહનલાલ સાહુએ ગુજરાત સમાચારને સ્પષ્ટતા સાથે  એવી માહિતી આપી હતી કે હાલ  નાગપુરમાં કુલ ચાર(રામદાસ પેઠ -પંજાબ રાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠ(પીડીકેવી), સી.આઇ.સી.આર.-- ખાપરી, રામટેક, સોનેગાંવ)  ઓટોમેટિક વેધર સ્ટેશન્સ છે. આમાં પીડીકેવી વિસ્તારમાં ગોઠવેલા ઓટોમેટિક વેધર સ્ટેશનમાં  ૩૦,મે એ મહત્તમ તાપમાન ૫૬.૦ ડિગ્રી નોંધાયું હોવાનો  ઉલ્લેખ થયો હતો. 

અમારી ટેકનિકલ ટીમની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે  અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે  પીડીકેવીના ઓટોમેટિક વેધર સ્ટેશનમાંના ઇલેક્ટ્રોનિક  સેન્સરમાં ટેકનિકલ ખામી અને અવરોધ સર્જાયાં હતાં. ક્યારેક  એવું પણ બને છે કે ગરમીનો પારો ૩૮ -૩૯ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઉંચો જાય તો આવાં સેન્સર્સની  કાર્યક્ષમતામાં અવરોધ સર્જાઇ શકે છે.વળી, આ વિસ્તાર વિશાળ,ખુલ્લો હોવાથી બપોરે ગરમી અને બફારાનું પ્રમાણ વધી જાય. આ પરિબળોની સીધી અને તીવ્ર અસર  પેલાં ઇલેક્ટ્રોનિક  સેન્સર્સ પર થાય અને તેમાં તાપમાનનો આંકડો ઉંચો -નીચો થવાની પૂરી શક્યતા રહે. 

વળી,અમારી પૂરી તપાસમાં પીડીકેવી વિસ્તારમાં   સત્તાવાર રીતે મહત્તમ તાપમાન ૫૬.૦ ડિગ્રી સેલ્સિયસ નહીં પણ ૪૪.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

આસામમાં પૂરની સ્થિતિ વણસી, છના મોત, 3.5 લાખ અસરગ્રસ્ત

આસામમાં શુક્રવારે પૂરની સ્થિતિ વણસતા છના મોત થયા હતા અને ૧૧ જિલ્લાના ૩.૫ લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વાવાઝોડા રેમલના લીધે અવિરત પડી રહેલા વરસાદના લીધે રેલ્વેથી લઈને જમીન માર્ગ બધુ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે રાજ્યને કેન્દ્ર જરુરી બધી જ મદદ પૂરી પાડશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સીએમ હિમન્તા બિસ્વા સરમા સાથે વાતચીત કરીને રાજ્યની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે શાહે આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકારને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. 


Google NewsGoogle News