Get The App

ઉત્તર ભારત ગાઢ ધુમ્મસમાં જકડાયું, છનાં મોત : 520 ફ્લાઈટને અસર

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ઉત્તર ભારત ગાઢ ધુમ્મસમાં જકડાયું, છનાં મોત : 520 ફ્લાઈટને અસર 1 - image


- દિલ્હીમાં વિક્રમી સૌથી લાંબો સમય 9 કલાક સુધી ઝીરો વિઝિબિલિટી

- ઉત્તર ભારતમાં ઠંડી વચ્ચે શીમલામાં શુક્રવારે રાતે મહત્તમ તાપમાન 22 ડિગ્રી, જે  વર્ષ 2006 પછી સૌથી વધુ નોંધાયું

- જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હિમાચલ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

નવી દિલ્હી : કાશ્મીરથી દિલ્હી, રાજસ્થાન સુધી સમગ્ર ઉત્તર ભારત શનિવારે હાડ થીજાવતી ઠંડીની સાથે ગાઢ ધુમ્મસમાં જકડાઈ ગયું હતું. હીમ લહેર વચ્ચે ઝીરો વિઝિબિલિટીના પગલે ફ્લાઈટ્સ અને ટ્રેનોના સંચાલન ખોરવાઈ ગયા હતા. ઉત્તર ભારતમાં વિવિધ અકસ્માતોમાં કુલ ૬ લોકોનાં મોત થયા હતા જ્યારે ૫૨૦થી વધુ ફ્લાઈટ્સ અને ૧૫૦થી વધુ ટ્રેનોને અસર થઈ હતી. ગાઢ ધુમ્મસના પગલે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ હતી જ્યારે દિલ્હીંમાં ઝીરો વિઝિબિલિટી વિક્રમી ૯ કલાક સુધી રહી હતી.

સમગ્ર ઉત્તર ભારત શનિવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર હેઠળ ઢંકાઈ ગયું હતું. ઝીરો વિઝિબિલિટીના પગલે એક હાથ દૂર જેટલા અંતરે પણ જોઈ શકાતું નહોતું. ઉત્તર ભારતમાં કોલ્ડ વેવના પગલે કુલ ૫૨૦થી વધુ વિમાનોના ઉડ્ડયન અથવા ઉતરાણ વિલંબમાં મુકાયા હતા જ્યારે અનેક ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી.

ગાઢ ધુમ્મસના કારણે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં કુલ ૬ લોકોનાં મોત નીપજ્યાં હતાં. વિવિધ માગો સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હરિયાણાના તોહાનામાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં ભાગ લેવા માટે પંજાબના ભટિન્ડા જિલ્લામાંથી એક બસ ખેડૂત સંસ્થા બીકેયુના બાવન સભ્યોને લઈને નીકળી હતી. આ બસ બરનાલા નજીક ઉથલી પડતાં ત્રણ મહિલાનાં મોત નીપજ્યાં હતા. ઉત્તર પ્રદેશમાં મથુરા અને ગુરુગ્રામમાં વિવિધ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા.

દિલ્હીમાં વહેલી સવારથી ઝીરો વિઝિબિલિટીની અસર જોવા મળી, જે છેક સાંજ સુધી ચાલુ રહી. રાજધાની દિલ્હીમાં નવ કલાક સુધી ઝીરો વિઝિબિલિટીની અસર રહી હતી, જે આ સીઝનમાં વિક્રમી સૌથી લાંબો સમય સુધી જોવા મળી. આ સમયે શહેરમાં મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૭૮ ડિગ્રી રહ્યું હતું. ધુમ્મસના કારણે દિલ્હીમાં ૮૧થી વધુ ટ્રેનો વિલંબથી ચાલતી હતી. દિલ્હીમાં શુક્રવારે પણ ધુમ્મસના કારણે ૪૦૦થી વધુ ફ્લાઈટ્સના શિડયુલ પર અસર થઈ હતી.

ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે ત્યારે હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ શીમલામાં રાત્રીના તાપમાને જાન્યુઆરીમાં સૌથી વધુ તાપમાનનો ૧૮ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. શિમલામાં શુક્રવારે રાતે મહત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહ્યું હતું, જે ૨૦૦૬ પછી જાન્યુઆરીમાં અત્યાર સુધીનું સૌથી વધુ રાત્રી તાપમાન હતું.


Google NewsGoogle News