VIDEO: હાર પહેરાવવાના બહાને કનૈયા કુમાર પર હુમલો, આરોપી મનોજ તિવારીના નજીકનો હોવાનો દાવો
Lok Sabha Elections 2024: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી નેતા અને ઉત્તર પૂર્વ દિલ્હીના કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર પર આજે (17મી મે) એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર પહેરાવવાના બહાને એક યુવકે કનૈયા કુમારને થપ્પડ ઝીંકી દીધી હતી. જો કે, કનૈયા કુમારના સમર્થકોએ યુવકને પકડી લીધો હતો. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉસ્માનપુર વિસ્તારના કરતાર નગરમાં બની હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા કાઉન્સિલર છાયા શર્મા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મહિલા કાઉન્સિલરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મનોજ તિવારી પર આરોપ લાગ્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે, હાર પહેરાવ્યા બાદ એક યુવાન કનૈયા કુમારને થપ્પડ ઝીંકી દીધી હતી. કન્હૈયાને થપ્પડ મારનાર યુવાન કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કનૈયા કુમારના સમર્થકોનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપના ઉમેદવાર મનોજ તિવારીનો હાથ છે.
મહિલા કાઉન્સિલરે ફરિયાદ નોંધાવી
આપના કાઉન્સિલર છાયા શર્માએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે સાંજે 4 વાગે કરતાર નગરમાં સત્યનારાયણ ભવન કાઉન્સિલરની ઓફિસમાં મીટિંગ પછી લગભગ 7-8 લોકો આવ્યા અને કનૈયા કુમારને હાર પહેરાવવાના બહાને તેમના હુમલો કર્યો હતો.મારી સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો અને મને અને મારા પતિને મારી નાખવાની ધમકી આપી હતી. 30થી 40 લોકો પર કાળી શાહી ફેંકવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. જેમાં ત્રણથી ચાર મહિલાઓને ઈજા થઈ હતી.
દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન
દિલ્હીમાં લોકસભાની કુલ સાત બેઠક છે, જેમાંથી 25મી મેના રોજ છઠ્ઠા તબક્કામા આ બેઠક પર મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી મનોજ તિવારીને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પરથી કનૈયા કુમારને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પર બંને વચ્ચે જોરદાર ટક્કર છે.