ભારતના આ રાજ્યમાં ઊઠી અલગ રાજ્યની માગ, બંધનું એલાન, બજારો બંધ, માર્ગો થયા સૂમસામ
નાગાલેન્ડમાં સાત નાગા જનજાતિઓની સર્વોચ્ચ સંસ્થા ENPOએ ‘ફ્રન્ટિયર નાગા ટેરિટરી’ રાજ્ય બનાવવા માંગ કરી
માંગ પૂરી ન થાય ત્યાં સુધી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોઈપણ નેતાઓને વિસ્તારમાં ન આવવા દેવા ENPOનો નિર્ણય
Nagaland Shutdown : નાગાલેન્ડમાં ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપુલ્સ ઑર્ગેનાઈઝેશન (ENPO)એ અલગ રાજ્યની માંગ (Separate State Demand) સાથે અનિશ્ચિતકાળ સુધી બંધની જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યમાં મોટાભાગની દુકાનો બંધ અને રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. ઈએનપીઓ નાગાલેન્ડમાં સાત નાગા જનજાતિઓની સર્વોચ્ચ સંસ્થા છે. બંધના કારણે સોમવારે પૂર્વ નાગાલેન્ડના છ જિલ્લામાં આંશિક જનજીવનને અસર થઈ છે.
રસ્તોઓ સૂમસામ, દુકાનો બંધ
બંધના કારણે ઘણી વેપારી સંસ્થાઓ અને દુકાનો પર તાળા જોવા મળી રહ્યા છે. મોટાભાગના વાહન ચાલકોએ પણ રસ્તાઓ પર જવાનું ટાળ્યું હોય તેમ રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. જોકે વીજળી વિભાગ, તબીબી સેવા, ફાયર બ્રિગેડ સેવા અને અન્ય ઈમરજન્સી સેવા ઉપરાંત મીડિયા અને લગ્ન સમારંભને બંધમાંથી બાકાત રખાયા છે.
માંગ પૂરી કરો, નહીં તો નેતાઓને ‘નો એન્ટ્રી’
ઈએનપીઓની માંગ છે કે, છ જિલ્લાઓ મોન, તુએનસાંગ, લૉન્ગલેંગ, કિફિરે, નોકલાક અને શામતોરને ભેળવી એક અલગ ‘ફ્રન્ટિયર નાગા ટેરિટરી’ રાજ્ય બનાવવામાં આવે. સૂત્રોના જણાવ્યા મુજબ તુએનસાંગ જિલ્લામાં ઈએનપીઓના હેડક્વાર્ટરે રવિવારે બેઠક યોજાઈ હતી, જેમાં બંધનો નિર્ણય લેવા ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય નેતાઓને પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા દેવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ઈએનપીઓએ સરકાર પર માંગ મુદ્દે દબાણ લાવવા પાંચમી માર્ચે જાહેર ઈમરજન્સીની જાહેરાત કરી હતી. ત્યારબાદ જાહેર ઈમરજન્સીના ભાગરૂપે આઠમી માર્ચે સવારે 6.00 વાગ્યાથી 12 કલાક સુધી શટડાઉન જાહેર કર્યો હતો.