જેક્લીન સામે નોરા ફતેહીએ રૂ. 200 કરોડનો માનહાનીનો દાવો કર્યો
- ચંદ્રશેખરના રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસનો વિવાદ
- કેટલાક લોકો સાથે મળીને જેક્લીન મારા પર જુઠા આરોપો લગાવી કેસમાં ફસાવવા માગે છે તેવો નોરાનો દાવો
નવી દિલ્હી : બોલિવૂડની બે અભિનેત્રીઓ જેક્લીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. હવે અભિનેત્રી નોરા ફતેહીએ પોતાની વિરુદ્ધ જુઠા આરોપો લગાવીને માનહાની કરી હોવાનો આરોપ લગાવીને જેક્લીન ફર્નાન્ડિસની સામે ૨૦૦ કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો છે. જેને પગલે જેક્લીનની મુશ્કેલી વધી શકે છે.
નોરાએ જેક્લીન ઉપરાંત ૧૫ મીડિયા હાઉસની સામે પણ માનહાનીનો દાવો કર્યો છે. નોરાનો દાવો છે કે જેક્લીન અને કેટલાક મીડિયા હાઉસ એકબીજાની સાથે મળીને કામ કરી રહ્યા છે અને મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખરના ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસથી આ બન્ને અભિનેત્રીઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. નોરાનો આરોપ છે કે આ કેસમાં મારુ નામ પરાણે ઘૂસાડવામાં આવી રહ્યું છે. મારો આરોપી સુકેશ સાથે કોઇ જ સંપર્ક નહોતો.
સાથે જ નોરાએ સુકેશ પાસેથી મોંઘા ગિફ્ટ લીધા હોવાનો દાવો પણ નકાર્યો હતો. મારી સામે પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ્ય મારી છાપ ખરડવાનો છે. પોતાને બદનામ કરવાના આરોપો લગાવીને જેક્લીન ફર્નાન્ડિસ સામે નોરા ફતેહીએ ૨૦૦ કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો છે. તેના પર બીએમડબલ્યૂ કાર ગિફ્ટમાં લીધી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો જેને નોરાએ નકાર્યો છે. આ સમગ્ર મામલે અગાઉ એજન્સી નોરા અને જેક્લીનની પણ પૂછપરછ કરી ચુકી છે.