'આડેધડ ધરપકડમાં જામીન ન મળવા ચિંતાજનક..', CJIની ટિપ્પણીથી રાજકીય દબાણનો મામલો ફરી ઉછળ્યો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
'આડેધડ ધરપકડમાં જામીન ન મળવા ચિંતાજનક..', CJIની ટિપ્પણીથી રાજકીય દબાણનો મામલો ફરી ઉછળ્યો 1 - image


- ટ્રાયલ કોર્ટમાં જામીનને લાયક છતા ન મળતા હાઇકોર્ટ બાદ સુપ્રીમ સુધી અપીલ કરવી પડે છે

- એક કોર્ટ બાદ બીજી કોર્ટમાં અપીલોથી વિલંબ થાય છે અને જામીનને લાયક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે : સીજેઆઇ

- જજોએ સેફ રમવાનું બંધ કરીને મજબૂત સામાન્ય જ્ઞાનની ભાવનાનો ઉપયોગ કરવો જોઇએ તેવી સલાહ

Supreme Court News |  દેશમાં પત્રકારો, એક્ટિવિસ્ટ્સ, નેતાઓની રાજકીય દબાણને કારણે થતી ધરપકડોને લઇને દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબ દરમિયાન મુખ્ય ન્યાયાધીશે મનમાની ધરપકડોના કેસોમાં જામીન ન મળવાને ચિંતાજનક ગણાવી હતી, તેમણે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટમાં જામીનને લાયક હોવા છતા જામીન નથી મળતા, બાદમાં હાઇકોર્ટમાં અપીલ કરવી પડે છે, ત્યાં પણ જામીન ના મળતા સુપ્રીમ સુધી આવવુ પડે છે. જેને કારણે આવા મામલાઓમાં વિલંબ થાય છે અને અરજદાર પણ મુશ્કેલીનો સામનો કરે છે.

બેંગલુરુમાં એક કાર્યક્રમને સંબોધતા મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે જજોને કેટલીક સલાહ પણ આપી હતી, તેમણે કહ્યું હતું કે જ્યારે અપરાધના મહત્વપૂર્ણ મુદ્દાઓને શંકાની દ્રષ્ટીએ જોવામાં આવે છે ત્યારે ટ્રાયલ જજ જામીન ન આપીને સેફ ખેલવાનું પસંદ કરતા હોય છે. જજોએ પ્રત્યેક મામલાને જીણવટપૂર્વક ચકાસીને મજબૂત કોમન સેંસનો ઉપયોગ કરવો જોઇએ. ટ્રાયલ કોર્ટમાં જ જામીન મળી જવા જોઇએ તેવા મામલા હાઇકોર્ટ બાદ સુપ્રીમ સુધી પહોંચે છે. જજોએ સ્વતંત્ર રહીને નિર્ણયો લેવા જોઇએ.  

બર્કલે સેંટરના તુલનાત્મક સમાનતા અને ભેદભાવ વિરોધી ૧૧માં વાર્ષિક સમ્મેલનને સંબોધતી વેળાએ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડને એક શ્રોતાએ સવાલ કર્યો હતો, આ સવાલ મનમાનીથી કે રાજકીય દબાણથી થતી ધરપકડો પર હતો. શ્રોતાએ પૂછ્યું હતું કે આપણે એક એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં પહેલા કોઇ વ્યક્તિ દ્વારા કૃત્ય કરવામાં આવે છે અને બાદમાં માફી માગી લેવામાં આવે છે. આવુ ત્યારે સત્ય લાગવા લાગે છે જ્યારે રાજકીય દબાણને કારણે કાર્યકર્તાઓ, પત્રકારો અને વિપક્ષના નેતાઓની ધરપકડ કરાય છે, જેમાં વિપક્ષના કેટલાક મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ પ્રકારની કાર્યવાહી એવા વિશ્વાસ સાથે કરવામાં આવે છે કે ન્યાય મળવામાં વિલંબ થશે. 

આ સવાલના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આપણે એ લોકો પર વિશ્વાસ કરતા શીખવુ પડશે કે જેઓ આ કાનૂન પ્રણાલીનો હિસ્સો છે. જે લોકો જામીનની માગણી કરી રહ્યા છે તેમની ચિંતાઓનું પણ ધ્યાન રાખવા માટે આપણે ટ્રાયલ કોર્ટોને પ્રેરિત કરવી પડશે. જો અરજદાર જામીનને લાયક હોય તો જજોએ સ્વતંત્ર રહીને નિર્ણય કરવો જોઇએ.     


Google NewsGoogle News