I.N.D.I.A. ગઠબંધનને મોટો ઝટકો, આ બેઠક પર ઉમેદવારનું નામાંકન પત્ર ચૂંટણી અધિકારીએ રદ કર્યું
Lok Sabha Elections 2024: મધ્યપ્રદેશમાં I.N.D.I.A.ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ખજુરાહો બેઠક પરથી ગઠબંધન ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા સપા નેતા મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મીરા યાદવનું નામાંકન બે કારણોસર રદ કરાયું છે. આ અંગે વિસ્તારથી જાણીએ...
જાણો શું છે મામલો
મધ્યપ્રદેશની ખજુરાહો લોકસભા બેઠક રાજ્યની એકમાત્ર બેઠક હતી જે કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને આપી હતી. સપાએ પહેલા અહીંથી ડો. મનોજ યાદવને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ બાદમાં તેમને બદલીને અહીંથી મીરા યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તેમનું નામાંકન પત્ર રદ કરાયું છે. આ અંગેની માહિતી મીરા યાદવના પતિ દીપક યાદવે આપી છે. તેમણે જણાવ્યું હતું કે, 'બે કારણોસર મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. એક પેજ પર ઉમેદવારની સહી ન હતી અને ફોર્મ સાથે જૂની મતદાર યાદી પણ આપવામાં આવી ન હતી. નિયમ મુજબ, ઉમેદવારને ભૂલની જાણ થવી જોઈએ, પરંતુ તેમને નામાંકન રદ કરવા અંગે સીધી જાણ કરવામાં આવી છે.'
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પર પક્ષપાતનો આરોપ લગાવતા મીરા યાદવના પતિએ કહ્યું કે, 'જો નામાંકનમાં કોઈ ખામી હોય તો તેને સુધારવાની જવાબદારી ચૂંટણી અધિકારીની છે. નામાંકનમાં બે ખામીઓ બતાવવામાં આવી રહી છે. અમે આ મામલે કોર્ટમાં જઈશું.' ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મીરા યાદવનું નામાંકન રદ થયા બાદ હવે ભાજપના વી.ડી. શર્મા ચૂંટણી મેદાનમાં એકમાત્ર ઉમેદવાર છે. તેઓ હાલમાં અહીંથી સાંસદ પણ છે.
અખિલેશ યાદવે શું કહ્યું?
ખજુરાહો બેઠક પરથી મીરા યાદવનું નામાંકન રદ થયા બાદ સપાના વડા અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી છે. તેમણે 'X' પર લખ્યું, 'ખજુરાહો બેઠક પરથી I.N.D.I.A.ગઠબંધનના સપા ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ કરવું એ લોકશાહીની હત્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કોઈ સહીઓ ન હતી. આ બધા બહાના છે અને હારેલી ભાજપની નિરાશા છે. આ ઘટનાની પણ ન્યાયિક તપાસ થવી જોઈએ, કોઈનું નામાંકન રદ કરવું એ લોકશાહી ગુનો છે.'
ખજુરાહો બેઠક પરથી 55 ઉમેદવારો ચૂંટણી લડશે
સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ થયા બાદ ભાજપનો રસ્તો ખૂબ જ સરળ બની ગયો છે. આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીએ પહેલા મનોજ યાદવને ટિકિટ આપી હતી, પરંતુ બાદમાં તેમને બદલીને મીરા યાદવ કરી દીધી હતી, પરંતુ હવે તેમનું નામાંકન રદ થવાને કારણે, ખજુરાહો બેઠક પર ચૂંટણી લડી રહેલ I.N.D.I.A. ગઠબંધન હવે ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયું છે. ખજુરાહો બેઠક પરથી કુલ 56 ઉમેદવારોએ નામાંકન પત્ર જમાં કરાવ્યું હતું, પરંતુ મીરા યાદવનું નામાંકન રદ થયા બાદ 55 ઉમેદવારો મેદાનમાં છે. અહીં બીજા તબક્કા હેઠળ 26મી એપ્રિલે મતદાન થશે.
ભાજપ માટે રસ્તો સાફ!
મીરા યાદવનું નામાંકન રદ થવાને કારણે જાણે આ બેઠક પર ભાજપને વોકઓવર મળી ગયું છે. ભાજપે અહીંથી પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વી.ડી. શર્માએ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અહીંથી મોટી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર ન ઉતારીને સપા માટે આ બેઠક આપી હતી અને હવે કોંગ્રેસ કે સપા તરફથી કોઈ ઉમેદવાર ન હોવાથી ભાજપ માટે જીતનો રસ્તો સાફ જણાઈ રહ્યો છે.