જુઓ, ભૂલથી પણ આ રીતે પાણી ગરમ કરવાની ભૂલ ના કરતા, મોત થઈ શકે છે...
ફોન પર વાત કરી રહ્યો હતો તે દરમ્યાન કિશોર ભૂલી ગયો કે, પાણી ગરમ કરવાનું ગીઝર તેના હાથમાં છે, અને વીજળીની સ્વીચ ઓન કરી દીધી
Image Envato |
તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર
ઉત્તર પ્રદેશના નોઈડામાં પાણી ગરમ કરવાના રોડ ગીઝરના વીજકરંટથી 16 વર્ષના એક કિશોરનું મોત થયું હતું. આ ઘટના તમામ માટે ચેતવણીરૂપ છે. તેનું કારણ એ છે કે, પાણી ગરમ કરતી વખતે તે ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો. આ અંગે પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, આ કિશોર મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેના હાથમાં રોડ ગીઝર હતું અને એ જ વખતે તેણે સ્વિચ ઓન કરી હતી, જેથી તેને જોરદાર વીજકરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.
નોઈડા સેક્ટર 39 પોલીસ મથકના ઈન્ચાર્જે કહ્યું હતું કે સદરપુર કોલોનીમાં રહેતા દેવ રવિવારે રાત્રે મોબાઈલ પર કોઈની સાથે વાત કરતો હતો. આ દરમિયાન ન્હાવા માટે પાણી ગરમ કરવા ગયો હતો. તે ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો ત્યારે તે ભૂલી ગયો કે, રોડ ગીઝર પાણીની ડોલમાં નહીં પણ તેના હાથમાં છે. આ સ્થિતિમાં સ્વિચ ઓન કરતા તેને જોરદાર ઝટકો લાગ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.