AC ફાટવાના કારણે ફરી દુર્ઘટના: ભીષણ ગરમીના કારણે 11માં માળે લાગી આગ, બચવા માટે કરો આ કામ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
AC ફાટવાના કારણે ફરી દુર્ઘટના: ભીષણ ગરમીના કારણે 11માં માળે લાગી આગ, બચવા માટે કરો આ કામ 1 - image


AC Blast in Noida: સમગ્ર દેશમાં ગરમી એવી રીતે વધી રહી છે કે જાણે કોઈની સાથે દુશ્મની કાઢી રહી હોય. આટલી ભીષણ ગરમીમાં કુલર અને એસી પણ બરોબર કામ કરતાં નથી. આ ઉપરાંત વધુ પડતી ગરમીના કારણે મશીનમાં ખામી સર્જાવાનો ભય પણ રહે છે અને ઘણી જગ્યાએ એસીમાં આગ લાગી હોવાના સમાચારો પણ સામે આવ્યા છે. આ દરમિયાન એર કંડિશનર (AC)માં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે (AC Fire in Noida). ઘટના જાણે એવી છે કે, 8 જૂનની રાત્રે દિલ્હી પાસે આવેલા નોઇડા (Noida)ની એક સોસાયટીના ફ્લેટમાં ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જો કે, આ ઘટનામાં કોઇના ઘાયલ થયા હોવાના અહેવાલ નથી. આગ વધુ ફેલાય એ પહેલાં જ એના પર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટના નોઇડાના સેક્ટર 74ના સુપરટેક કેપટાઉન સોસાયટીમાં બની હતી. ચીફ ફાયર ઓફિસર પ્રદીપ ચૌધરીના જણાવ્યા મુજબ, ફ્લેટની બાલ્કનીમાં ACમાં શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હતી. જો કે, ફાયર બ્રિગેડે સમયસર પહોંચી સોસાયટીના ફાયર સિક્યોરિટી સિસ્ટમની મદદથી આગ પર કાબુ મેળવી લીધો હતો.

ACમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો

આ ઘટના અગાઉ પણ ઘણી જગ્યાએ આ જ પ્રકારની ઘટનાઓ બની છે. 6 જૂને સવારે ગાઝિયાબાદના વસુંધરામાં પણ ACમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી જેમાં બે ઘરોના સામાનને મોટું નુકસાન થયું હતું. આવી જ એક વધુ ઘટના 5 જૂને નોઇડાની એલ્ડિકો સોસાયટીમાં બની હતી. સોસાયટીના 17માં માળે એક ફ્લેટમાં ACમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. ઉપરાંત નોઇડાના સેક્ટર 100માં પણ આ જ પ્રકારની ઘટના બની હતી.

આવી ઘટનાઓથી બચવા શું કરવું જોઇએ ?

ભીષણ ગરમીના લીધે ACમાં શોર્ટ સર્કિટ હોવાના અને બ્લાસ્ટ થવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. UP સરકારે એડવાઇઝરી જાહેર કરી લોકોને સમયસર ACની સર્વીસિંગ અને રિપેરિંગ કરાવવા જણાવ્યું હતું. નોઇડા પોલીસે પણ એક એડવાઇઝરી જાહેર કરી હતી જેમાં ACનો સતત ઉપયોગ ન કરવા અને સમય સમય પર ACને બંધ કરવા જણાવ્યું હતું. જેથી ઓવર હીટિંગના જોખમથી બચી શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ACનો સતત ઉપયોગ કરવામાં આવે તો કંપ્રેસર ગરમ થઇ જાય છે જે બ્લાસ્ટનો કારણ બને છે, ઉપરાંત ACની સર્વિસ ન કરાવવાથી પણ તેમાં બ્લાસ્ટ થઇ શકે છે.


Google NewsGoogle News