VIDEO: ACમાં બ્લાસ્ટ થતાં ફ્લેટમાં આગ, 'ગરમીમાં એસીને આપો આરામ, સર્વિસ પણ કરાવો'

Updated: May 30th, 2024


Google NewsGoogle News
VIDEO: ACમાં બ્લાસ્ટ થતાં ફ્લેટમાં આગ, 'ગરમીમાં એસીને આપો આરામ, સર્વિસ પણ કરાવો' 1 - image


AC Blast in Noida: દેશભરના વિવિધ ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. ભયંકર ગરમીમાંથી રાહત મેળવવા માટે ઘરો અને ઓફિસોમાં એર કંડિશનર (AC) અને કૂલરનો કરવામાં આવે. પરંતુ આ એસી ઘરો કે ઓફિસોમાં આગનું કારણ પણ બની રહ્યા છે. નોઈડાના સેક્ટર 100 સ્થિત લોટસ બ્લુબર્ડ સોસાયટીના એક ફ્લેટમાં એસી ફાટતા આગ લાગી હતી. બીજી તરફ 27મી મેના રોજ મુંબઈના બોરિવલી વેસ્ટમાં એક ફ્લેટમાં આગ લાગતાં આખો ફ્લેટ બળીને ખાક થઈ ગયો હતો. આ ઉપરાંત હરિયાણાના હિસારની એક હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેનું કારણ પણ એસીમાં બ્લાસ્ટ થયો તે હતું. 

પોલીસ અધિકારીએ લોકોને ખાસ અપીલ કરી

દેશમાં વધતી આગની ઘટનાઓને લઈને નોઈડાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'ઉનાળાની ઋતુમાં 10થી 12 એસી બ્લાસ્ટ થયાની ઘટનાઓ બની છે. જેથી નિયમિતપણે એસીની સર્વિસ કરાવવી. 24 કલાક એસી ન ચલાવો. એસીને થોડો આરામ આપો. એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરી દો. ઘરની બહાર નીકળતી વખતે વીજ પુરવઠો ચાલુ રાખશો નહીં.'


આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

નોઈડાના સેક્ટર 100 સ્થિત લોટસ બ્લુ બર્ડ સોસાયટીના એક ફ્લેટમાં આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. અહેવાલો અનુસાર, આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કારણ કે, બધા ઝડપથી ફ્લેટમાંથી બહાર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીના કારણે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

એસીને લઈને આ બાબતોનું ધ્યાન રાખો

• એસી ઈન્સ્ટોલ કરતી વખતે, તેની પાવર ક્ષમતા અને તમારા ઘર અથવા ઓફિસનો પાવર લોડ તપાસો.

• સ્ટેબિલાઇઝર વગર એસી ના ચલાવો.

• ઉનાળાની શરૂઆતમાં એસી સર્વિસ કરાવો.

• જો AC કોઈ અવાજ કરે અથવા સ્પાર્ક કરે તો તરત જ તેની તપાસ કરાવો.

• એસીની નજીક પડદા વગેરે ન મુકો.

• એસી સતત ન ચલાવો.

• એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરો.


આ પણ વાંચો: જમ્મુમાં ભીષણ અકસ્માત, શિવ ખોડી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી, 21ના મોત



Google NewsGoogle News