વૃદ્ધને રાહ જોવડાવતા સ્ટાફને ઊભા રહી કામ કરવાની સજા
- સરકારી કચેરીના સ્ટાફને અનોખી સજા
- સ્ટાફની સજાનો વિડીયો વાઇરલ થયા પછી લોકોએ સરકારી અધિકારીની પ્રશંસા કરી
નવી દિલ્હી : નોઇડાના રેસિડેન્સિયલ પ્લોટ વિભાગના સ્ટાફે વૃદ્ધને ૨૦ મિનિટ સુધી કામ માટે રાહ જોવડાવતા અકળાયેલા સીઇઓએ ૧૬ જણના આખા સ્ટાફને તેટલી જ મિનિટ સુધી ઊભા રહીને કામ કરવાનો આદેશ આપ્યો હતો. તેમા કેટલીક મહિલા કર્મચારીઓ પણ હતી.
સીઇઓએ સ્ટાફને આ સજા કરી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. લોકો સરકારી અધિકારીના આ પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. નોઇડના રેસિડેન્સિયલ પ્લોટ વિભાગના સીઇઓ સ્ટાફ કાઉન્ટર પર લોકોને લાંબા સમય સુધી રાહ જોવડાવતો હોવાના પગલે નારાજ હતા.
નોઇડાની ન્યુ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમન્ટ ઓથોરિટીની ઓફિસે લગભગ ૬૫ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. દરરોજે મોટી સંખ્યામાં લોકો તેમના કામ માટે ઓફિસની મુલાકાત લે છે. ૨૦૦૫ની બેચના આઇએએસ ઓફિસરે ગયા વર્ષે આ ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ વારંવાર કેમેરાના ફૂટેજ ચેક કરીને સ્ટાફને લોકોને અને તેમા પણ ખાસ કરીને વૃદ્ધોને વધુ રાહ ન જોવડાવવાની સૂચના આપતા હોય છે.
સોમવારે તેમણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કાઉન્ટર પર ઊભો હતો. તેણે તરત જ કાઉન્ટર પરની મહિલા કર્મચારીને જણાવ્યું કે તે આ વૃદ્ધ વ્યક્તિ પર ધ્યાન આપે અને તેને રાહ ન જોવડાવે. તેમણે મહિલા કર્મચારીને તેમ પણ જણાવ્યું કે જો તેનું કામ ન થવાનું હોય તો તેને સ્પષ્ટ ના પાડી દો. ૨૦ મિનિટ પછી સીઇઓએ જોયું કે વૃદ્ધ વ્યક્તિ હજી પણ તે કાઉન્ટર પર ઊભો છે. તેનાથી નારાજ સીઇઓ તરત જ સ્ટાફની વચ્ચે પહોંચી ગયા અને તેઓને ૨૦ મિનિટ સુધી ઊભા રહી કામ કરવાની સજા ફટકારી.