મિસ ઈન્ડિયામાં કોઈ આદિવાસી, દલિત, ઓબીસી મહિલા નથી : રાહુલ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
મિસ ઈન્ડિયામાં કોઈ આદિવાસી, દલિત, ઓબીસી મહિલા નથી : રાહુલ 1 - image


- પ્રયાગરાજમાં રાહુલ ગાંધીએ અનામતનો મુદ્દો ઉઠાવ્યો

- ખાનગી સૌંદર્ય સ્પર્ધા મિસ ઈન્ડિયામાં પણ દરેક ધર્મ, જાતિ, વર્ગની મહિલાઓનું પ્રતિનિધિત્વ : ભાજપનો દાવો, યાદી જાહેર કરી

- રાહુલ હવે સૌંદર્ય સ્પર્ધા, કોર્પોરેટ, ફિલ્મો, સ્પોર્ટ્સમાં પણ અનામત ઈચ્છે છે, આ બાલ બુદ્ધિ : કિરણ રિજિજુ

પ્રયાગરાજ: લોકસભા ચૂંટણી પહેલાથી જ દેશમાં જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવી રહેલા રાહુલ ગાંધીએ શનિવારે મિસ ઈન્ડિયા જેવી સૌંદર્ય સ્પર્ધામાં પણ અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, મિસ ઈન્ડિયાની યાદીમાં દલિત, આદિવાસી અથવા ઓબીસી સમુદાયમાંથી કોઈ પણ મહિલા નથી. જોકે, રાહુલને જવાબ આપતા ભાજપે ૧૯૪૭થી ૨૦૨૨ સુધીની યાદી જાહેર કરી કહ્યું કે, મિસ ઈન્ડિયામાં દરેક વર્ગની મહિલાઓએ સફળતા મેળવી છે. કિરણ રિજિજુએ પણ રાહુલની દલીલોને 'બાલ બુદ્ધિ' ગણાવી હતી.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી જાતિ આધારિત વસતી ગણતરી અને તેના આધારે અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પ્રયાગરાજમાં તેમણે કહ્યું કે, મેં મિસ ઈન્ડિયા સ્પર્ધાની આખી યાદી જોઈ લીધી. વિચાર્યું કે તેમાં તો દલિત અને આદિવાસી મહિલાઓનું પ્રતિનિધિત્વ હશે, પરંતુ આ યાદીમાં એક પણ દલિત, આદિવાસી કે ઓબીસી મહિલા નથી. ડાન્સ-ગીત થશે, બોલિવૂડની વાત થશે, ક્રિકેટની વાત થશે, પરંતુ ખેડૂતો અને મજૂરો અંગે કોઈ વાત નથી કરતું. દેશની ૯૯ ટકા વસતીના પ્રતિનિધિત્વ અંગે કોઈ વાત નહીં થાય.

મિસ ઈન્ડિયા જેવી સૌંદર્ય સ્પર્ધામાં અનામતની વાતના મુદ્દે ભાજપે રાહુલ ગાંધીને ઘેર્યા હતા. ભાજપે આ મુદ્દે રાહુલ ગાંધીને જવાબ આપવાની સાથે એ પણ જણાવ્યું કે કયા વર્ષમાં કઈ મહિલા મિસ ઈન્ડિયા સ્પર્ધા જીતી હતી. એટલું જ નહીં દેશની દરેક વર્ગ અને ધર્મની મહિલાઓ આ ખાનગી સૌંદર્ય સ્પર્ધા જીતી છે. ભાજપ નેતા શેહજાદ પૂનાવાલાએ એક્સ પર લખ્યું, રાહુલ ગાંધી હવે મિસ ઈન્ડિયા વિજેતાઓની જાતિ અને ધર્મના આધારે પ્રોફાઈલિંગ કરી રહ્યા છે. યાદીના અંતમાં તેમણે લખ્યું છે કે વર્ષ ૨૦૨૨માં રિયા એક્કા મિસ ઈન્ડિયા બની જે છત્તીસગઢની આદિવાસી યુવતી હતી. આ સિવાય રિયા તિર્કી પણ ઝારખંડની પહેલી આદિવાસી મહિલા હતી, જે ૨૦૨૨માં ફેમિના મિસ ઈન્ડિયાની ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી હતી. આ સિવાય ઓડિશાની આદિવાસી યુવતીએ પણ મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં એવોર્ડ જીત્યો હતો.

તેમણે ઉમેર્યું કે, આ સિવાય આ સૌંદર્ય સ્પર્ધામાં દલિત યુવતી નિહારિકા સિંહ પણ મિસ અર્ત ઈન્ડિયાનો એવોર્ડ જીતી ચૂકી છે. વધુમાં મુસ્લિમ, ખ્રિસ્તી, પંજાબી, પારસી યુવતીઓ પણ આ સ્પર્ધા પણ જીતી ચૂકી છે. છેલ્લે શાહજાદ પૂનાવાલાએ લખ્યું, રાહુલ ગાંધી તેમના ભાષણોમાં જેમની મજાક ઊડાવે છે તે ઐશ્વર્યા રાય ઓબીસી સમાજમાંથી આવે છે અને મિસ વર્લ્ડ બની ગઈ છે. 

આ સિવાય ભાજપ નેતા અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ લખ્યું, રાહુલ ગાંધી દેશનું વિભાજન કરી શકે નહીં. હવે તેઓ મિસ ઈન્ડિયા સ્પર્ધાઓ, ફિલ્મો, રમતોમાં પણ અનામત ઈચ્છે છે. આ માત્ર 'બાલ બુદ્ધિ'નો મુદ્દો નથી, પરંતુ તેમનો જયકાર કરનારા લોકો પણ એટલા જ જવાબદાર છે. બાળ બુદ્ધિ મનોરંજન માટે સારી છે પરંતુ તેમની વિભાજનકારી ચાલોમાં આપણા પછાત સમાજની મજાક ના ઉડાવો.

- નવી પેન્શન સ્કીમ મુદ્દે કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

- યુપીએસમાં 'યુ'નો અર્થ યુ-ટર્ન થાય છે : મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રિઝવવા માટે નવી પેન્શન યોજના યુનિફાઈડ પેન્શન સ્કિમ રજૂ કર્યાના બીજા દિવસે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, આ સરકાર 'યુ-ટર્ન'વાળી સરકાર છે. યુપીએસમાં 'યુ'નો અર્થ 'મોદી સરકારનો યુ-ટર્ન' છે.

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ એક્સ પર લખ્યું, ચાર જૂન પછી જનતાની શક્તિએ વડાપ્રધાનનો સત્તાનો અહંકાર તોડી પાડયો છે. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન-ઈન્ડેક્સેશન અંગે બજેટમાં કરાયેલી જાહેરાત પાછી ખેંચવી, વકફ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવી, બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચવું, લેટરલ એન્ટ્રીને પાછી ખેંચવી. તેમણે ઉમેર્યું, અમે જવાબદારી સુનિશ્ચિત કરતા રહીશું અને ૧૪૦ કરોડ ભારતીયોને આ નિરંકુશ સરકારથી બચાવીશું.


Google NewsGoogle News