ખુરશીની કોઈ લાલચ નથી, લોકો માટે રાજીનામું આપવા પણ તૈયાર : મમતા

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ખુરશીની કોઈ લાલચ નથી, લોકો માટે રાજીનામું આપવા પણ તૈયાર : મમતા 1 - image


- કોલકાતામાં જુનિયર ડૉક્ટરો સાથે વધુ એક બેઠક નિષ્ફળ

- અમે ક્યારેય મમતા બેનરજીનું રાજીનામું માગ્યું નથી, પરંતુ બેઠકના લાઈવ સ્ટ્રિમિંગની માગણી નકારાઈ : ડૉક્ટરોનો દાવો

- મુખ્યમંત્રી મમતા એકલા નબન્ના કોન્ફરન્સ હોલમાં બેઠકની રાહ જોતા ખાલી ખુરશીઓ વચ્ચે બે કલાક સુધી બેસી રહ્યા

કોલકાતા : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ એક મહિના કરતાં વધુ સમયથી આંદોલનકારી ડૉક્ટરોએ ગુરુવારે વિવાદનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે ચર્ચાનો ઈન્કાર કરી દીધો હતો. મમતા બેનરજી તેમની સાથે ચર્ચા માટે એકલાં જ નબન્નાના કોન્ફરન્સ હોલમાં લગભગ બે કલાક સુધી ડૉક્ટરોની રાહ જોતાં બેસી રહ્યા હતા. જુનિયર ડૉક્ટરોના ઈન્કાર પછી મમતાએ કહ્યું કે પોતે લોકો માટે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવા પણ તૈયાર છે.

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા પછી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ ફેલાયેલો છે. આ ઘટનાના વિરોધમાં હોસ્પિટલના જુનિયર ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. 

મમતા સરકારે ગુરુવારે ત્રીજી વખત આંદોલનકારી ડૉક્ટરોને વિવાદનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. રાજ્ય સરકારે આ બેઠકમાં સીએમ મમતાની હાજરીની ડૉક્ટરોની માગણી સ્વીકારી લીધી હતી, પરંતુ બેઠકનું લાઈવ સ્ટ્રિમિંગ કરવાની શરત નકારી કાઢી હતી. વધુમાં આંદોલન કરી રહેલા ૩૦ ડૉક્ટરોના પ્રતિનિધિમંડળની જગ્યાએ માત્ર ૧૫ની મંજૂરી અપાઈ હતી. ડૉક્ટરોએ વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો અને નબન્ના પણ પહોંચ્યા હતા. 

આ ચર્ચા માટે મુખ્યમંત્રી મમતા એકલા જ નબન્નાના કોન્ફરન્સ હોલમાં પહોંચ્યા હતા. પરંતુ ડૉક્ટરોનું પ્રતિનિધિમંડળ બેઠકના લાઈવ સ્ટ્રિમિંગ પર અડગ રહ્યું હતું અને તેઓ હોલની અંદર ગયું નહીં. તેમણે કહ્યું કે, તેઓ સરકાર સાથે બંધબારણે કોઈ બેઠક કરવા માગતા નથી. જે પણ વાટાઘાટો થશે તે બધાની સામે ખુલ્લેઆમ થશે. જ્યારે મમતા બેનરજી એકલા ખાલી ખુરશીઓ વચ્ચે બે કલાક સુધી બેઠકની રાહ જોતા રહ્યાં. ત્યાર પછી તેઓ નીકળી ગયા.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ મીડિયા સાથે વાત કરતા આ અવરોધ માટે બંગાળના લોકોની હાથ જોડીને માફી માગી અને ડૉક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, અમે ડૉક્ટરો સાથે બેઠક માટે બે કલાક સુધી રાહ જોઈ. અમે બેઠકની ચર્ચાને પારદર્શી રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા કરી હતી. અમે ડૉક્ટરો પર એસ્મા લાગુ નહીં કરીએ. પોતે ન્યાય માટે, લોકો માટે ખુરશી છોડવા પણ તૈયાર છે, પરંતુ તેમને ન્યાય નથી જોઈતો. તેમને માત્ર ખુરશી જોઈએ છે. મને સીએમની ખુરશી નથી જોઈતી, પરંતુ પીડિતા માટે ન્યાય જોઈએ છે.

બીજીબાજુ સુપ્રીમ કોર્ટની ડેડલાઈન છતાં જુનિયર ડૉક્ટરોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન ખતમ કર્યા નથી. આંદોલનકારી જુનિયર ડૉક્ટરોએ ગુરુવારે લાઈવ સ્ટ્રિમિંગની મંજૂરી નહીં આપવા માટે બંગાળ સરકાર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. મમતાના નિવેદન પછી ડૉક્ટરોએ કહ્યું કે તેમની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય. મુખ્યમંત્રીની ટીપ્પણી કમનસીબ છે. અમે ક્યારેય તેમનું રાજીનામું માગ્યું નથી. અમે તેમની સાથે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ રાજ્ય વહીવટી તંત્રે બેઠકના લાઈવ સ્ટ્રિમિંગની મંજૂરી આપી નહીં.


Google NewsGoogle News