Get The App

'જીવનની અનિશ્ચિતતા' પર ટેક્સ ના હોય, જીએસટી હટાવો : ગડકરી

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
'જીવનની અનિશ્ચિતતા' પર ટેક્સ ના હોય, જીએસટી હટાવો : ગડકરી 1 - image


- જીવન અને સ્વાસ્થ્ય વિમા પરનો 18 ટકા જીએસટી હટાવવા નાણા મંત્રીને ગડકરીના ખુલ્લા પત્રથી અનેક તર્ક-વિતર્ક

- ગડકરીના ખુલ્લા પત્ર બાદ એનડીએ ઉપરાંત ભાજપમાં પણ આંતરીક અસંતોષ હોવાની અટકળોએ જોર પકડયું

નવી દિલ્હી : ભાજપના વરીષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામનને ખુલ્લો પત્ર લખીને જીવન અને મેડિકલ વીમાના પ્રીમિયમ પરનો જીએસટી હટાવવાની માગ કરી નાખી છે. એટલુ જ નહીં ગડકરીએ આ પત્રમાં કહ્યું છે કે જીવન વિમા અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે, જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી લગાવવો જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા જેવું છે. નિતિન ગડકરી અગાઉ પણ સરકારની કેટલીક નીતિઓને લઇને ખુલ્લેઆમ બોલી ચુક્યા છે. હવે નવી સરકાર રચાયા બાદ પ્રથમ વખત તેઓએ સરકારના નિર્ણય પર જ સવાલો ઉઠાવીને વિવાદ છેડયો છે.

લોકસભાની ચૂંટણી સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી આગામી વર્ષે ૭૫ વર્ષની વયે નિવૃત્ત થઇ જશે. કેજરીવાલના આ દાવા બાદ નિતિન ગડકરીને વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. નિતિન ગડકરી ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે. આ લોકસભાની ચૂંટણી સમયે ભાજપ દ્વારા ઉમેદવારોની જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં નિતિન ગડકરીનું નામ નહોતું. જોકે બાદમાં સંઘના દબાણના પગલે ગડકરીને બીજી યાદીમાં ટિકિટ મળ્યાનું ચર્ચાઈ રહ્યું છે. કેન્દ્રમાં હાલ એનડીએની ગઠબંધનવાળી સરકાર છે. વિપક્ષ કેન્દ્ર સરકારના બજેટની ભારે ટિકા કરી રહ્યું છે. એવામાં હવે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ જીએસટીને લઇને વાંધો ઉઠાવતો ખુલ્લો પત્ર લખ્યો છે. 

એવી ચર્ચાએ જોર પકડયું છે કે નિતિન ગડકરી આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સિતારામનને મળીને ચર્ચા દરમિયાન પણ ઉઠાવી શક્યા હોત, પણ તેમણે આ મામલાને ખુલ્લા પત્ર દ્વારા ઉઠાવીને એક નવી જ ચર્ચાને છેડી છે. એવી પણ અટકળો છે કે હાલ માત્ર એનડીએ જ નહીં પણ ભાજપમાં પણ ટોચની નેતાગારીની લઇને આંતરિક અસંતોષ કે નારાજગી હોઇ શકે છે. નહીં તો નિતિન ગડકરી આમ ખુલ્લેઆમ પત્ર લખવાનો પ્રયાસ ના કરે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સિતારામનને પત્ર  લખી જીવન અને સ્વાસ્થ્ય વીમા પરના પ્રીમિયમ પર લદાયેલો ૧૮ ટકા જીએસટી હટાવવાની માગ કરી છે. પોતાના પત્રમાં ગડકરીએ જણાવ્યું હતું કે નાગપુર ડિવિઝન લાઇફ ઇન્શ્યોરંસ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને આ મુદ્દે તેમને આવેદનપત્ર આપ્યું  છે અને જીવન-સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પરનો જીએસટી હટાવવાની માગ કરી છે. ગડકરીએ કહ્યું  છે કે જીવન અને મેડિકલ વીમા પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી લગાવવો જિંદગીની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા જેવું છે.

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનું મજબૂત પીઠબળ ધરાવતા ગડકરીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે યુનિયનનું માનવું છે કે લોકોને આ જોખમ સામે રક્ષણ ખરીદવા માટે વીમા પ્રિમિયમ પર ટેક્સ લગાવવો જોઇએ નહીં. તેમણે જણાવ્યું હતું કે મેડિકલ ઇન્સ્યુરન્સ પર ૧૮ ટકા જીએસટી આ બિઝનેસના વિકાસમાં અવરોધરૂપ  સાબિત થઇ રહ્યું છે જે સામાજિક રીતે જરૂરી છે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે યુનિયને જીવન વિમા દ્વારા બચત માટે અલગ અલગ પ્રકારના લાભો, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે આવકવેરામાં ડિડકશન ફરીથી શરૂ કરવા અને પબ્લિક સેક્ટરની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓનું એકીકરણ જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતાં. હાલમાં જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા બંને પર ૧૮ ટકા જીએસટી વસુલ કરવામાં આવી રહ્યું છે. ગડકરીએ જણાવ્યું હતું કે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક ધોરણે જીવન અને મેડિકલ ઇન્શ્યોરંસ પ્રિમિયમ પરનો  જીએસટી હટાવવાના સૂચન અંગે વિચારણા કરવા વિનંતી કરું છું કારણકે સિનિયર સિટિઝન માટે આ ટેક્સ બોજારૂપ છે. નાણા મંત્રી મારા દ્વારા ઉઠાવાયેલા આ મુદ્દાને પ્રાથમિકતા આપે. લોકોમાં પણ બજેટને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે એવા સમયે ગડકરીનો આ પત્ર સામે આવ્યો છે.

સ્વાસ્થ્ય વિમા પર ટેક્સ ના હોવો જોઇએ : વિપક્ષનો ગડકરીને ટેકો

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જીવન-સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમ પરનો ૧૮ ટકા જીએસટી હટાવવાની માગ કરી હતી. ગડકરીની આ માગને વિપક્ષ દ્વારા પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમે કહ્યું હતું કે ગડકરીએ આ માગ કરી તે જાણીને આનંદ થયો, આજ પ્રકારની માગણી મે લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન કરી હતી. સપાના સાંસદ રાજીવ કુમાર રાયે કહ્યું હતું કે નિતિન ગડકરી ભાજપના સૌથી સીનિયર નેતા હોવા છતા તેમણે સરકારને પત્ર લખીને વિનંતી કરવી પડી રહી છે. જે દર્શાવે છે કે આ સરકારમાં કેટલી નિરંકુશ વલણ ધરાવે છે. ગડકરીની માગ સાથે સહમત છીએ, આ જીએસટી હટાવવો જોઇએ. આરજેડીના સાંસદ એડી સિંઘે જણાવ્યું હતું કે ગડકરીજીની માગણી વ્યાજબી છે, સ્વાસ્થ્ય વિમા પર જીએસટી ના હોવો જોઇએ, શિવસેનાના સાંસદ અનિલ દેસાઇએ કહ્યું હતું કે બજેટ પર ચર્ચા દરમિયાન આ માગણી મે પણ કરી હતી, સ્વાસ્થ્ય વિમો જરૂરિયાત છે તેના પર ટેક્સ ના હોવો જોઇએ. મને નથી લાગી રહ્યું કે નિર્મલા સિતારામન આ મુદ્દા પર ધ્યાન આપશે.


Google NewsGoogle News