કેજરીવાલની મુશ્કેલી વધી: PM મોદીની ડિગ્રીવાળા કેસમાં સુપ્રીમ કોર્ટે પણ આપ્યો ઝટકો, જાણો શું છે વિવાદ
- ટ્રાયલ કોર્ટના સમન્સને રદ કરવા સુપ્રીમનો ઇનકાર
- મામલો મોદીની માનહાનીનો હોય તો પછી ગુજરાત યુનિ.ના રજિસ્ટ્રાર કેસ કરનારા કોણ? : સિંઘવી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલો ઉઠાવ્યા હતા. જે મામલે તેમની સામે ચાલી રહેલા કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનિ. દ્વારા દાખલ માનહાનિ કેસમાં કેજરીવાલ સામે ટ્રાયલ કોર્ટ દ્વારા જારી સમન્સને લઇને સુપ્રીમમાં અપીલ કરાઇ હતી.
ટ્રાયલ કોર્ટના સમન્સને પહેલા ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયા હતા જોકે હાઇકોર્ટે કેજરીવાલની અરજીને ફગાવી હતી જે બાદ સુપ્રીમમાં અપીલ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઋષિકેશ રોય અને એસવીએન ભાટીની બેંચે ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં દખલ દેવાની ના પાડી દીધી હતી.
પ્રાપ્ત રિપોર્ટ અનુસાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર વરીષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ સમગ્ર મામલો જો નરેન્દ્ર મોદીની માનહાની સાથે સંકળાયેલો હોય તો પછી ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કેમ કેસ ફાઇલ કર્યો, આ મામલો ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારની માનહાનીનો તો છે જ નહીં.
ગુજરાત યુનિ. તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે આ મામલામાં અન્ય આરોપી સંજયસિંહ છે જેમની અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી ચુકી છે. બાદમાં સુપ્રીમે પણ કહ્યું હતું કે આ જ મામલામાં સંજયસિંહની અરજીને અમે નકારી છે તો તેને ધ્યાનમાં રાખીને આ અરજીનો સ્વીકાર ના કરી શકાય.