દેશમાં સૌથી વધુ ગરમી અહીં પડી, હાલ કોઈ રાહત નહીં, તાપમાન હજુ 3 ડિગ્રી વધે તેવી ચેતવણી
- ઉત્તર ભારતમાં આકરો તાપ : 49 ડિગ્રી સાથે બાડમેર દેશનું સૌથી ગરમ સ્થળ
- ઉત્તર-પશ્વિમ ભારતમાં અસહ્ય ગરમી વચ્ચે કેરળમાં ભારે વરસાદ, બે જિલ્લામાં રેડ એલર્ટ: કેટલાક સ્થળોએ 24 કલાકમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો
- રાજસ્થાનના ફલોદીમાં તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યાની ચર્ચા આકાશમાંથી અગનવર્ષા, દેશના અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રીની નજીક
Weather news | દેશના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી વચ્ચે હવામાન વિભાગે નવેસરથી જે ચેતવણી આપી છે તે ચિંતાજનક છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ ગરમીની શરૂઆત છે. દેશમાં કેટલાય સ્થળોએ હજુય તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે. અત્યારે કેટલાય શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની નજીક પહોંચી જતાં હાહાકાર મચી ગયો છે. જો હજુય તાપમાન ૨-૩ ડિગ્રી વધે તો બહાર નીકળવાનું મુશ્કેલ બની જશે. ઉત્તર અને પશ્વિમ ભારતમાં આગામી દિવસોમાં એક્સ્ટ્રીમ હીટવેવની સ્થિતિ સર્જાશે. રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો ૪૮.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો. એ દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. રાજસ્થાનના જ ફલોદીમાં તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચ્યાના દાવા પણ થયા હતા. હવામાન વિભાગે ફલોદીનું તાપમાન ૪૬ ડિગ્રી નોંધ્યું હતું. બાડમેર પછી એ બીજા નંબરનું સૌથી ગરમ સ્થળ હતું.
દેશભરમાં અસહ્ય તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની નજીક પહોંચી જતાં જનજીવન ખોરવાયું હતું. કેટલાક લોકોએ લૂ લાગવાની ફરિયાદ કરી હતી. કેટલાય લોકોએ માથાના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ જેવા કેટલાય રાજ્યોમાં પ્રચંડ ગરમીનો અનુભવ થયો હતો. દિવસે તો ઠીક, મોડી રાતે પણ વાતાવરણમાં ઠંડકનો અનુભવ ન થતાં લોકોની કફોડી સ્થિતિ થઈ હતી.
આટલું ઓછું હોય એમ હવામાન વિભાગે નવેસરથી આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળે તેમ નથી. કેટલાય રાજ્યોમાં હજુય તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ તો અત્યારે પણ છે. આગામી દિવસોમાં એક્સ્ટ્રીમ હીટવેવની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, પશ્વિમી ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ આપવાની સાથે હજુય વધુ તાપમાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિવસ તો ગરમ રહેશે, પરંતુ રાત્રીઓ પણ ગરમ રહેશે. જળાશયોના પાણી સૂકાઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે. ભારતના ૧૫૦ જળાશયોમાં જળરાશિનો અહેવાલ અપાયો હતો. એ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછું જળસ્તર નોંધાયું છે. તેનાથી આગામી દિવસોમાં કેટલાય શહેરોમાં પાણીની અછત સર્જાશે. મેદાની પ્રદેશો ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ ગરમી અસહ્ય થઈ પડી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો દર્જ થયો હતો. જમ્મુના સંભાગમાં તો ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, રાહત હોય તો એ વાતે કે હવામાન વિભાગનો અંદાજ છે કે ચોમાસું સમયસર આવી જશે. ચોમાસું બંધાવાની શરૂઆત થઈ ચૂકી છે ને કેરળમાં તો ભારે વરસાદ પણ પડયો છે.
કેરળના બે-ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબક્યો હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યો છે. કોચી, ઈર્નાકુલમ અને થ્રિશૂર જિલ્લામાં કેટલાય સ્થળોએ ૨૪ કલાકમાં સાતથી આઠ ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું હતું. વાયનાડ, કોઝિકોડ, ઈડુક્કી સહિતના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દસેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ હોવાથી પાડોશી રાજ્યોમાં પણ વાતાવરણ પલટાયું છે અને થોડી ઠંડક અનુભવાઈ હતી.
કેદારનાથ-યમુનોત્રીમાં વરસાદ, પુલ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો
કેદારનાથ-યમુનોત્રીના ચારધામ રૂટમાં વરસાદ પડયો હતો. હજુય બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે યલ્લો એલર્ટ જારી કર્યો છે. બરફવર્ષાની પણ શક્યતા છે. પ્રિમોન્સૂન વરસાદ પડતાં ઘણાં રસ્તા બંધ કરવાની નોબત આવી હતી. એક પુલ ક્ષતિગ્રસ્ત થઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો અને લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ઉત્તરકાશી, પૌડી અને આદિ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડયા હતા.
કેટલાય સ્થળોએ જળસ્તર વધી જતાં યાત્રાળુઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ હતી. જે રસ્તાઓ બંધ થઈ ગયા છે તે ખોલવાની તજવીજ હાથ ધરાઈ હતી. જે રસ્તા જોખમી હોય કે બંધ હોય ત્યાંથી જોખમ લઈને ચાર ધામના યાત્રાળુઓને ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે.