I.N.D.I.A. ને કોઈ મત આપવા માગતું નથી, વિપક્ષનો ફુગ્ગો ફૂટી ગયો, PM મોદીએ તાક્યું નિશાન
Lok Sabha Elections 2024 |લોકસભા ચૂંટણીમાં હવે સાતમા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્યું, વિપક્ષના ગઠબંધનનો ફુગ્ગો ફૂટી ગયો છે અને કોઈ કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધનને મત આપવા માગતું નથી. કેજરીવાલ પર હુમલો કરતાં તેમણે આપના રાષ્ટ્રીય સંયોજકને અનુભવી ચોર ગણાવ્યા હતા.
પંજાબમાં અંતિમ ૭મા તબક્કામાં મતદાન છે ત્યારે વડાપ્રધાન મોદીએ ગુરુવારથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે નોંધ્યું કે, દેશમાં પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે છે. પીએમ મોદીએ શુક્રવારે જલંધરમાં જણાવ્યું કે, વિપક્ષના ગઠબંધનનો ફુગ્ગો ફૂટી ગયો છે અને તેમને કોઈ મત આપવા માગતું નથી. તમે જલંધરમાં એક ચોકમાં જઈને ઊભા રહો અને ૧૦૦ લોકોને પૂછો કે કોની સરકાર બની રહી છે તો ૯૦ લોકો કહેશે કે મોદી સરકારનું પુનરાગમન થશે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં એક સમયે આતંકવાદનું જોખમ સતત વધી રહ્યું હતું ત્યારે તેમની સરકારે આતંકવાદની કમર તોડી નાંખી છે. દેશવાસીઓ સમજી ગયા છે કે કોંગ્રેસ હશે ત્યાં સમસ્યા રહેશે, ભાજપ સમસ્યાનો ઉકેલ લાવશે. પંજાબ ગુરુઓની જમીન છે, પરંતુ કોંગ્રેસે તેને માત્ર જમીનનો ટુકડો જ માન્યો છે.
દેશના સૌથી જૂના પક્ષ પર ૧૯૪૭માં પંજાબનું વિભાજન કરવાનો આક્ષેપ મૂકતા મોદીએ કહ્યું કે, કરતારપુર સાહેબ આપણી સરહદથી ખૂબ જ નજીક છે, પરંતુ કોંગ્રેસે તે પાકિસ્તાનને સોંપી દીધું. એટલું જ નહીં ૧૯૭૧ના યુદ્ધમાં ૯૦ હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. તે સમયમાં હું સત્તા પર હોત તો પાકિસ્તાની સૈનિકોને છોડી મુકતા પહેલાં કરતારપુર સાહેબ ભારતમાં આવી ગયું હોત. ૧૯૭૧ના યુદ્ધમાં વિજય પછી પણ ભારતનું વલણ નરમ રહ્યું હતું.
દરમિયાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને અનુભવી ચોર ગણાવ્યા હતા. કેજરીવાલે દાવો કર્યો હતો કે અન્ય જગ્યાઓ પર નોટોના પહાડ મળ્યા. પરંતુ મારા ઘરે ચવન્ની પણ ના મળી. આ સંદર્ભમાં મોદીએ કહ્યું કે, કેજરીવાલ સરકારી અધિકારી રહી ચૂક્યા છે. તેમને ખબર છે કે ઈડી, સીબીઆઈના અધિકારીઓ કેવી રીતે કામ કરે છે. તેથી તેમણે પોતાને બચાવવા માટે ઘેરાબંધી કરી લીધી છે. અનુભવી ચોરને ખબર હોય છે કે કેવી રીતે બચી શકાય છે. તેથી તે પોતાના બચવાની વ્યવસ્થા અગાઉથી જ કરી રાખે છે.