તહવ્વુર રાણાને કસાબની જેમ બિરયાની કેમ? તાત્કાલિક ફાંસી આપો... 26/11નો 'હીરો' ભડક્યો
Tahawwur Rana: 2008 મુંબઈ આતંકવાદી હુમલાના હીરો તરીકે ઓળખાતા 'છોટુ ચાયવાલે' મહોમ્મદ તૌફીક 26/11ના આરોપી તહવ્વુર રાણાની ભારત પ્રત્યર્પણને લઈને ખુશી જાહેર કરી છે. જોકે, તેણે માંગ કરી કે, ગુનેગારને તુરંત ફાંસી આપી દેવી જોઈએ. આવા આતંકવાદીઓને જેલ, બિરયાની અને સુવિધા આપવાની જરૂર નથી. તૌફીક એ જ વ્યક્તિ છે જેની સતર્કતાથી 2008ના આતંકવાદી હુમલા દરમિયાન અનેક લોકોના જીવ બચાવી શકાયા હતાં.
તૌફીકે જણાવ્યું કે, 'ભારતમાં તહવ્વુર રાણા માટે કોઈ સેલ, બિરયાની કે અજમલ કસાબ જેવી સુવિધા આપવાની જરૂરત નથી. આતંકવાદીઓ માટે અલગ કાયદા હોવા જોઈએ. જેનાથી 2-3 મહિનાની અંદર ફાંસીની સજા મળે.' અજમલ કસાબ એ જ પાકિસ્તાની આતંકવાદી હતો, જેને 26/11 મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન જીવતો પકડવામાં આવ્યો હતો. તેણે છત્રપતિ શિવાજી ટર્મિનસ, કામા હોસ્પિટલ, લિયોપોલ્ડ કાફે અને તાજ હોટેલ જેવી જગ્યાઓએ આતંક મચાવ્યો હતો. 21 નવેમ્બર, 2012માં તેને પુણેની યરવદા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાની અરજી નકારી
7 એપ્રિલે અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની એ અરજી નકારી દીધી હતી, જેમાં તેણે ભારત પ્રત્યર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ રૉબર્ટ્સે 20 માર્ચે કરવામાં આવેલી અરજીને સંપૂર્ણ રીતે નકારી દીધી હતી. તેનો અર્થ છે કે, હવે રાણાને ભારત લાવવાથી કોઈ નહીં રોકી શકે.
મુંબઈ પોલીસને નથી મળી કસ્ટડી
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અનુસાર રાણાને મુંબઈ લાવીને પૂછપરછ અથવા કોઈ સ્થાનિક મામલે કસ્ટડીમાં લેવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હજુ સુધી તહવ્વુર રાણાની મુંબઈ ટ્રાન્સફરને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી. જણાવી દઈએ કે, તહવ્વુર રાણા એક પાકિસ્તાની-કેનેડાનો નાગરિક છે, જેને અમેરિકામાં લશ્કર-એ-તૈયબાને સહયોગ આપવા અને મુંબઈ હુમલાનું કાવતરૂ સામેલ થવાના આરોપમાં ગુનેગાર સાબિત કરવામાં આવ્યા હતાં. 2008 ના આ હુમલામાં 174થી વધારે લોકોના મોત થઈ ગયા છે.