મોંઘવારીના મારથી ટૂંકમાં લોકોને રાહત મળશે : આરબીઆઈ ગવર્નર
કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધ, નાણાં બજારના કારણે મોંઘવારી બેકાબૂ
ભવિષ્યમાં ડિજિટલ કરન્સી ઓછી ખર્ચાળ હશે, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં તેનો વપરાશ વધારવો જરૂરી : દાસ
નવી દિલ્હી, તા.૧૨
ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં પ્રજા મોંઘવારીના મારથી પીસાઈ રહી છે. આવા સમયે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે દેશવાસીઓને નજીકના સમયમાં મોંઘવારીના મારથી છૂટકારો મળી શકે છે. આરબીઆઈ અને કેન્દ્ર સરકાર આ માટે સતત પ્રયત્નો કરી રહી છે. આરબીઆઈએ તાજેતરમાં જ પ્રાયોગિક ધોરણે દેશમાં ડિજિટલ કરન્સીનો સત્તાવાર ઉપયોગ શરૂ કર્યો છે ત્યારે શક્તિકાંત દાસે નાણાકીય વ્યવહારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિજિટલ કરન્સીના વપરાશ પર ભાર મૂક્યો હતો.
દેશમાં ફુગાવાનો દર છેલ્લા ઘણા સમયથી આરબીઆઈના ૨-૬ ટકાના લક્ષ્યાંક કરતાં વધુ ૭ ટકાથી ઉપર છે. હવે ફુગાવાનો દર ૭ ટકાથી નીચે આવવાની સંભાવના છે તેમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દિલ્હીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. જોકે,તેમણે મોંઘવારીને સરકાર અને આરબીઆઈ માટે પડકારજનક ગણાવી હતી. આ કાર્યક્રમમાં તેમણે રૂપિયો, ડિજિટલ કરન્સી, ફોરેન એક્સચેન્જ સહિત અર્થતંત્ર સંબંધિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.
દેશમાં મોંઘવારી આરબીઆઈના કાબૂમાં આવતી નહીં હોવાની ચર્ચાઓ વચ્ચે શક્તિકાંત દાસે કહ્યું કે, સમગ્ર દુનિયાના અર્થતંત્રો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ સ્થિતિ માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે, જેમાં કોરોના મહામારી, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ અને નાણાં બજારોના કારણે ઊભું થયેલા સંકટનો સમાવેશ થાય છે. આ સમસ્યાઓના કારણે ભારત સહિત દુનિયાભરના અર્થતંત્રો તણાવ હેઠળ છે. જોકે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય અર્થતંત્રનો દેખાવ શાનદાર રહ્યો છે અને અર્થતંત્ર મેક્રોઈકોનોમિક ફંડામેન્ટલ લવચીક છે. વૈશ્વિક સ્તરની સરખામણીમાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ ઝડપથી થઈ રહી છે.
આરબીઆઈ ગવર્નરે ઉમેર્યું કે આ વર્ષ જાન્યુઆરીથી મોંઘવારીનો દર આરબીઆઈના ૨-૬ ટકાના લક્ષ્યાંકથી સતત ઉપર ૭ ટકા જેટલો રહ્યો છે. મોંઘવારીનો દર વધુ હોવાનું કારણ દુનિયામાં ક્રૂડ ઓઈલ અને ખાદ્ય ઉત્પાદનોના ઊંચા ભાવ છે. સરકારના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ૭.૪ ટકા હતો, જે ઑક્ટોબરમાં ૭ ટકા નીચે આવવાની શક્યતા છે. ફુગાવાનો દર પણ ધીમે ધીમે નિયંત્રણ હેઠળ આવી રહ્યો છે.
દાસે કહ્યું હતું કે, આરબીઆઈના કાયદા મુજબ ફુગાવાનો દર નિશ્ચિત લક્ષ્યાંક કરતા સતત ત્રણ ત્રિમાસિક સુધી ઉપર રહે તો તેને આરબીઆઈની નિષ્ફળતા માનવામાં આવે છે તથા આરબીઆઈએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપીને તેનું કારણ અને મોંઘવારી રોકવા માટે લેવાયેલા પગલાં અંગે વિસ્તારથી માહિતી આપવી પડે છે. શક્તિકાંત દાસે કહ્યું કે, તાજેતરમાં એવા નિરીક્ષણો થયા હતા કે, આરબીઆઈ તેના ફોરેક્સ એક્સચેન્જ રિઝર્વનો અંધાધૂંધ ઉપયોગ કરે છે. પરંતુ હકીકતમાં એવું નથી. અત્યારે આપણું ફોરેક્સ એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ સારી સ્થિતિમાં છે અને વરસાદની મોસમમાં છતરીનો ઉપયોગ કરાય તે જ રીતે આરબીઆઈએ આ રિઝર્વનો ઉપયોગ કર્યો છે. આ ફોરેક્સ રિઝર્વ માત્ર આરબીઆઈમાં શોકેસ માટે એકત્ર કરાયું નથી. વૈશ્વિક સ્તર પર બદલાતી પરિસ્થિતિઓના કારણે રૂપિયો નબળો થયો હતો અને કેન્દ્રીય બેન્કે હસ્તક્ષેપ કરવાની જરૂર પડી હતી.
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે દુનિયા બદલાઈ રહી છે. જે રીતે વેપાર કરવામાં આવે છે તે બદલાઈ રહ્યો છે. આપણે સમય સાથે તાલમેલ બેસાડવા પડશે. કાગળની નોટોનું પ્રિન્ટિંગ, પ્રિન્ટિંગનો ખર્ચ, કાગળની ખરીદી, સંગ્રહ વગેરેમાં ખર્ચ વધ્યો છે. જોકે, ભવિષ્યમાં ડિજિટલ કરન્સી ઓછી ખર્ચા હશે. આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય લેવડ-દેવડ માટે ડિજિટલ કરન્સીનો વપરાશ ખૂબ જ મહત્વપૂર્ણ હશે.