ના પતંગ ના દોરા, ઉતરાયણે લોકો ઉજવે છે કાળા કાગડાનો અનોખો તહેવાર
લોકો કાગડાને ઘુઘૂત નામની વાનગી બનાવી ખવડાવે છે
કાલે કૌવા કાલે, ઘુઘુતિમાલા ખાલે એવું સમૂહમાં બોલે છે
દહેરાદૂન,13 જાન્યુઆરી,2024,શનિવાર
વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં મોટા ભાગના તહેવારો આગવી પરંપરા મુજબ ઉજવાય છે. ઉતરાખંડની વાત કરીએ તો ઉત્તરાયણને કાળા કાગડાનો તહેવાર કહેવામાં આવે છે.અહીં પતંગના પેચ લડાવવાનો મહિમા ઓછો છે. ઉતરાંખંડના કુમાઉ વિસ્તારમાં સ્થાનિક બોલીમાં ઘુઘૂતિયા તહેવાર તરીકે ઉજવાય છે. જેમાં ગોળ અને ચોખાના લોટમાંથી ઘુઘુત નામની વાનગી તૈયાર કરવામાં આવે છે. ઘુઘૂત બનાવવા માટે ઘરના બધા સભ્યો જોડાઇ જાય છે. ગોળાકાર ઘુધૂત વાનગીની માળા પરોવીને કાગડાને બોલાવવામાં આવે છે.
આ દિવસે લોકો પહાડની ટોચ પર ઉભા રહીને કાલે કૌવા કાલે, ઘુઘુતિમાલા ખાલે એવું સમૂહમાં બોલે છે. આ વિસ્તારમાં કાગડો બધાનું પ્રિય પક્ષી છે. જો કે શ્રાધ્ધમાં જેમ કાગડા ઓછા જેવા મળે છે તેમ ઘુઘુતિયા તહેવારમાં કાગડાઓ જાણ કે અદ્વષ્ય થઇ જાય છે. જેને કાગડો જોવા મળે તે પોતાને ધન્ય અનુભવે છે. આ દિવસે જો ઘર પાસે આવીને કાગડો બોલે તો તેને શુભ માનવામાં આવે છે. લોકો વહેલી સવારે ઉઠીને પવિત્ર જળાશયોમાં સ્નાન કરીને ઘુઘુતિ વાનગી કાગડાને ખવડાવવા નિકળી પડે છે.
આ અંગે સ્થાનિક લોકોંમાં એક પ્રસિદ્ધ વાર્તા પણ છે.કુમાઉમાં ચંદ્રવંશનો રાજા કલ્યાણચંદ રાજ કરતો હતો. કલ્યાણચંદના પુત્ર નિર્ભયચંદને તેની માતા લાડથી ઘુઘુતી કહીને બોલાવતી હતી. ઘુઘુતી કુંવરના ગળામાં મોતીની માળા અને ઘુંઘરુ બાંધેલા હતા.માળા સાથે બાંધેલા ઘૂંઘરુના અવાજથી ઘુઘતી ખૂબજ ખૂશ રહેતો હતો. ઘુઘતી જયારે પણ કોઇ વાતે જુદ્દ કરે ત્યારે મોતીની માળા કાગડાને આપવાની વાત કરીને કુંવરને ચૂપ કરતી હતી.
તે કુંવરને ડરાવવા માટે કાલે કૌવા કાલે,ઘુઘુતી માલા ખાલે એમ બોલતી કે તરત જ એક કાગડો આવી જતો હતો. પોતાના કહેવાથી કાગડો આવતો એટલે માતા કાગડાને માળાના સ્થાને ઘુઘુતી વાનગી ખવડાવતી હતી. ત્યારથી કાગડાને ઘુઘુતી ખવડાવવાની પ્રથા શરુ થઇ હોવાનું માનવામાં આવે છે. ઘુઘુતિ તહેવાર નિમિત્તે મીઠાઇ વહેંચવાનો આ ક્રમ દિવસો સુધી ચાલે છે. વતનથી દૂર રહેતા લોકોને ઘઘૂત પાર્સલ કરીને મોકલવામાં આવે છે.