Get The App

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન 1 - image


Time Magazine 100 Influential Leaders List: ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કોઈ ભારતીય નાગરિકને સ્થાન મળ્યું નથી. આ યાદીમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કને સ્થાન મળ્યું છે, જ્યારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભારતના કોઈ પણ વ્યક્તિને સ્થાન મળ્યું નથી, જે આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે, દર વર્ષે, એક યા બીજા ભારતીયને તેમાં સ્થાન મળતું હતું અને ક્યારેક, એક ડઝન જેટલી સેલિબ્રિટીને સ્થાન અપાતું હતું. 2024માં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને કુસ્તીબાજ સાક્ષી મલિકને પણ તેમાં સ્થાન મળ્યું હતું.


રેશ્મા કેવલરમાણીને યાદીમાં સ્થાન, જે ભારતવંશી છે...  

ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલી 100 લોકોની યાદીને પણ વિવિધ કેટેગરીઓમાં વહેંચવામાં આવી છે. જેમાં નેતાઓ, આઇકોન્સ, ટાઇટન્સ અને અભિનેતાઓ સામેલ છે. આ ઉપરાંત તેમાં ઇનોવેટર અને અગ્રણીઓને પણ સ્થાન આપવામાં આવે છે. ભારતીય મૂળની રેશ્મા કેવલરમાણીને નેતાઓની યાદીમાં સ્થાન મળ્યું છે, પરંતુ તે ભારતીય નાગરિક નથી. તે હાલમાં ફાર્માસ્યુટિકલ કંપની વર્ટેક્સના સીઈઓ છે. જ્યારે તે અમેરિકા ગઈ ત્યારે તે માત્ર 11 વર્ષની હતી. હવે તે અમેરિકાની એક પ્રખ્યાત બાયોટેકનોલોજી કંપનીની સીઈઓ છે. બ્રિટિશ પીએમ કીર સ્ટારમરને નેતાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ પણ તેનો ભાગ છે. આમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વ્હાઈટ હાઉસે 111 વર્ષ જૂની પરંપરા બદલી, હવે ટ્રમ્પની 'પસંદગીના' પત્રકાર જ પૂછી શકશે સવાલ!

શી જિનપિંગ અને પુતિન જેવા મોટા નેતાઓનો પણ સમાવેશ નથી

આ યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન મોદી જેવા દિગ્ગજોનો સમાવેશ કરાયો નથી. ફ્રાન્સ અને જર્મની જેવા શક્તિશાળી યુરોપિયન દેશોના નેતાઓને પણ સ્થાન મળ્યું નથી. આનું કારણ એ છે કે ટાઈમ મેગેઝિનની પ્રભાવશાળી લોકોની યાદીમાં ફક્ત એવા નેતાઓનો સમાવેશ થાય છે જેઓ તાજેતરમાં ઉભરી આવ્યા છે અને તેમના આગમનથી કંઈક પરિવર્તન કે અસર થઈ છે.

કદાચ આ જ કારણ છે કે ભારતથી લઈને ચીન અને રશિયા સુધીના ટોચના નેતાઓને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. ગયા વર્ષે સાક્ષી મલિકને તેમાં સ્થાન મળ્યું કારણ કે તે સમયે કુસ્તીબાજોનું આંદોલન ચાલી રહ્યું હતું. આ ઉપરાંત આલિયા ભટ્ટ તેની ફિલ્મો અને અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી હતી. બાંગ્લાદેશના નેતા મોહમ્મદ યુનુસને પણ આ જ કારણસર સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેમણે તાજેતરમાં દેશની સત્તા સંભાળી છે અને તેમના આગમન પછી દેશની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન 2 - image

Tags :