Get The App

સસ્તી EVના દિવસો સમાપ્ત થશે ? ગડકરી કહ્યું, ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડીની હવે.....

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
સસ્તી EVના દિવસો સમાપ્ત થશે ? ગડકરી કહ્યું, ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડીની હવે..... 1 - image

Nitin Gadkari on EV Subsidy : ભારતમાં પ્રદૂષણને ડામવા માટે ઓટોમોબાઈલ સેક્ટર સ્વચ્છ ઈંધણ તરફ પ્રયાણ કરી રહ્યું છે. દેશમાં ઈલેટ્રિક વ્હિકલ અને હાઈબ્રિડ વાહનોનો દબદબો વધી રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોની સ્વીકૃતિ વધારવા માટે સરકાર હાલ ઈવી વાહનો પર સબસિડી આપી રહી છે અને તેના કારણે આ વાહનો સસ્તી પડતી હોવાથી ગ્રાહકોનો ક્રેઝ વધ્યો છે પરંતુ નવી કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકોને નીતિન ગડકરીએ એક મોટો આંચકો આપ્યો છે.

ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી નાબૂદ કરવાનો ઈશારો કરતાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે સબસિડી આપવાની હવે કોઈ જરૂર નથી કારણકે ગ્રાહકો પોતે હવે EV અથવા CNG વાહનો પસંદ કરી રહ્યા છે.

બીએનઇએફ સમિટને સંબોધતા ગડકરીએ જણાવ્યું કે શરૂઆતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનો ખર્ચ વધુ હતો પરંતુ માંગમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે અને તેના કારણે વધુ સબસિડીની જરૂર નથી.

"ગ્રાહકો હવે જાતે ઇલેક્ટ્રિક અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) વાહનો પસંદ કરી રહ્યા છે. અને મને નથી લાગતું કે આપણે ઇલેક્ટ્રિક વાહનો માટે વધુ સબસિડી આપવાની જરૂર છે," રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીએ એક નિવેદનમાં ઈચ્છુક ગ્રાહકો અને ઓટોમોબાઈલ કંપનીઓને ચોંકાવ્યા છે.

ગડકરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ વાહનો કરતાં ઇલેક્ટ્રિક વાહનો પરનો GST ઓછો છે. "મારા મતે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને હવે સરકાર દ્વારા સબસિડી આપવાની જરૂર નથી. સબસિડીની માંગ હવે વાજબી પણ નથી લાગતી." 

હાલમાં, હાઇબ્રિડ સહિત ઈન્ટરનલ કમ્બશન એન્જિન દ્વારા સંચાલિત વાહનો પર 28 ટકા અને ઇલેક્ટ્રિક વાહનો પર 5 ટકા જીએસટી જ વસૂલવામાં આવે છે.

આ પહેલા બુધવારે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે સરકાર તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોબિલિટી એડોપ્શન પ્લાન FAMEના ત્રીજા તબક્કાને એક કે બે મહિનામાં અંતિમ સ્વરૂપ આપશે. મંત્રીઓના સમૂહ આ યોજના માટે મળેલા ઇનપુટ્સ પર કામ કરી રહ્યું છે. તેઓ હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વ્હીકલો તથા ફેમ યોજનાના પ્રથમ બે તબક્કામાં આવેલ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


Google NewsGoogle News