અદાણી સામે વધુ કોઈ તપાસ નહીં, સેબી ત્રણ મહિનામાં રિપોર્ટ આપે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
અદાણી સામે વધુ કોઈ તપાસ નહીં, સેબી ત્રણ મહિનામાં રિપોર્ટ આપે 1 - image


- હિંડનબર્ગ કેસમાં અદાણીને સુપ્રીમ કોર્ટની રાહત

- અદાણી સામે કેસ કરનારાઓએ અખબારી અહેવાલો અને થર્ડ પાર્ટી રિપોર્ટના આધારે કેસ કર્યા છે: સુપ્રીમ

- અદાણી સામે સીબીઆઇને તપાસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી : સેબીની તપાસ સામે સવાલ નહીં

નવી દિલ્હી : હિંડનબર્ગ કેસના વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અદાણી સામે વધુ કોઈ તપાસની જરુર નથી. તેના પરના છેતરપિંડીના આરોપોની સીબીઆઇ કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) પાસેથી તપાસ કરાવવાની કોઈ જરુરિયાત નથી. તેની સાથે સેબી આગામી ત્રણ મહિનામાં અદાણી સામે ચાલતી તપાસ પૂરી કરી રિપોર્ટ આપે તેમ જણાવ્યું હતું.

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે રિસર્ચેના અદાણીએ શેરમાં ગેરરીતિ આચરી હોવાના અને હિસાબી છેતરપિંડી કરી હોવાના આરોપોના પગલે થર્ડ પાર્ટી તપાસની અરજીઓની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે સેબીએ આ કેસમાં સર્વગ્રાહી તપાસ કરી છે અને તેની તપાસ વિશ્વસનીય છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ ૧૭મેના રોજ અદાણી જૂથ સામે દાખલ કરવામાં આવેલા બે ડઝન કેસની તપાસ ૧૪ ઓગસ્ટ સુધીમાં પૂરી કરવા આદેશ આપ્યો હતો. સેબીએ તેમા ૨૪માંથી સાત મુદ્દા પડતર હોવાના લીધે તપાસ પૂરી કરવા વધુ ૧૫થી વધુ દિવસનો સમય માંગ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં સેબીએ કોર્ટને જણાવ્યું હતું કે તે હવે તપાસમાં કોઈપણ પ્રકારનું એક્સ્ટેન્શન માંગતી નથી, કારણ કે ૨૨ મુદ્દાઓને લઈને તપાસ પૂરી થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે માર્કેટ રેગ્યુલેટરને જણાવ્યું હતું કે તે પડતર તપાસને ત્રણ મહિનાની અંદર ઝડપથી પૂરી કરે. આ કેસમાં જાહેર હિતની અરજીઓને નકારી કાઢતા કોર્ટે જણાવ્યું હતું કે આ કેસની હકીકતો જોતા સિટ કે સીબીઆઇને તપાસ સોંપવાની જરુરિયાત લાગતી નથી. અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણીઅ ચુકાદાને વધાવતો જણાવ્યું હતું કે છેવટે સત્યનો વિજય થયો.  હિંડનબર્ગના રિપોર્ટના પગલે તેમની ૬૦ અબજ ડોલરની સંપત્તિ ખતમ થઈ ગઈ હતી. 

સુપ્રીમ કોર્ટના સાનુકૂળ ચુકાદાના પગલે ઘટતા બજાર વચ્ચે પણ અદાણીના શેરોમાં તેજી હતી. ગુ્રપ કંપનીઓના શેરોનું મૂલ્ય લગભગ ૬૪,૦૦૦ કરોડ ઉચકાયુ હતું. તેના પગલે અદાણી જૂથની દસ લિસ્ટેડ કંપનીઓનું બજારમૂલ્ય ૧૫.૧ લાખ કરોડને આંબી ગયું છે. જો કે તેનું માર્કેટ કેપ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ૧૯.૨૩ લાખ કરોડની ટોચ પર પહોંચ્યું હતું તેનાથી તો હજી નીચે છે. 

અદાણીએ એક્સ પર તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ દર્શાવ્યું છે કે સત્યનો વિજય થયો છે. સત્યમેવ જયતે. જ્યારે આ મુદ્દે આક્રમક વલણ અપનાવર વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સેબી પર અસાધારણ વિશ્વાસ દાખવ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો પક્ષ ક્રોની કેપિટલિઝમ અંગેનું તેમનું વલણ જારી રાખશે. 

સુપ્રીમ કોર્ટે તેના ૪૬ પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે અદાણી સામે જાહેર હિતની અરજી કરનારા અરજદારોની અરજીનો આધાર અખબારી લેખો કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) જેવી થર્ડ પાર્ટી સંસ્થાના અહેવાલો છે. આવી સંસ્થાની તુલનાએ સેબી જેવી વિશ્વસનીય તપાસસંસ્થાએ કરેલી તપાસ સામે કોઈ સવાલ ઉઠાવી શકાય નહીં. આના લીધે આ કેસ સેબી પાસેથી સીબીઆઇ કે સિટ કોઈને સોંપવાની જરુરિયાત વર્તાતી નથી.

AdaniSEBI

Google NewsGoogle News