એસસી-એસટી અનામત અંગે ચુકાદામાં ભુલ નથી : સુપ્રીમે રિવ્યૂ પિટિશન નકારી
- અનામતમાં અત્યંત વંચિત વર્ગને વધુ લાભનો ચુકાદો
- ખનીજ પર રોયલ્ટી મુદ્દે રાજ્યોની તરફેણમાં આપેલા ચુકાદા સામે કેન્દ્રએ કરેલી રિવ્યૂ પિટિશનને પણ ફગાવી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એસસી, એસટી અનામત અંગે આપેલા ચૂકાદાને લઇને થયેલી રિવ્યૂ પિટિશનને નકારી દીધી છે અને પોતે આપેલા ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં ગઠીત સાત ન્યાયાધીશોની બેંચે કહ્યું હતું કે એસસી-એસટી અનામત અંગે અમે આપેલા ચુકાદામાં કોઇ જ ભુલ નથી તેથી તેમાં રિવ્યૂની કોઇ જરૂર નથી. પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે ચુકાદો આપ્યો હતો અને એસસી-એસટી અનામતમાં ક્વોટા માટે ફેરફાર કરવાની રાજ્ય સરકારોને છૂટ આપી હતી. એસસીમાં પણ સામાજિક, આર્થિક કે શૈક્ષણીક રીતે સૌથી વધુ વંચિત છે તેવા લોકોને અનામતમાં ક્વોટાની છૂટ સુપ્રીમે આપી હતી. જોકે સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ રાજ્ય સરકાર માત્ર અનુમાનના આધારે આ ચુકાદાનો અમલ નહીં કરી શકે, અમલ માટે ચોક્કસ ડેટા હોવા જરૂરી છે. આ ચુકાદાને લઇને વિવાદ પણ જોવા મળી રહ્યો છે. એવામાં સુપ્રીમમાં થયેલી રિવ્યૂ પિટિશનને રદ કરી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે માઇનિંગ અને મિનરલ પર રોયલ્ટી વસુલવાને લઇને રાજ્યોને રાહત આપતો ચુકાદો આપ્યો હતો, આ ચુકાદાને લઇને પણ રિવ્યૂ પિટિશન થઇ હતી. જોકે આ રિવ્યૂ પિટિશન પણ સુપ્રીમે ફગાવી દીધી હતી. કેન્દ્ર સરકારે પોતાની રિવ્યૂ પિટિશનમાં એવી દલીલ કરી હતી કે સુપ્રીમના ચુકાદામાં કેટલીક ભુલો છે. ૧૪ ઓગસ્ટના રોજ સુપ્રીમે ચુકાદો આપતા કહ્યું હતું કે ૧ એપ્રીલ ૨૦૦૫થી માઇનિંગ કંપનીઓ અને કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યો માઇનિંગ-મિનરલ પર રોયલ્ટી લઇ શકશે. જે બાદ સુપ્રીમે આ મામલે રિવ્યૂ પિટિશન કરી હતી જેને નકારી દેવામાં આવી છે.