ચીનની આડોડાઈ : અરૂણાચલના ખેલાડીઓને એશિયન ગેમ્સમાં નો એન્ટ્રી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ચીનની આડોડાઈ : અરૂણાચલના ખેલાડીઓને એશિયન ગેમ્સમાં નો એન્ટ્રી 1 - image


- ભારતીય ખેલાડીઓ સાથે અયોગ્ય વર્તન ચલાવાશે નહીંઃ વિદેશ મંત્રાલય

- ચીનની અવળચંડાઈ સામે ભારતની લાચારી : કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરની હાંગઝુ યાત્રા તાત્કાલિક અસરથી રદ્ 

નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશના ત્રણ વુશુ પ્લેયર્સને ચીને એશિયન ગેઈમ્સમાં ભાગ લેવા માટેનું ક્લિયરન્સ આપ્યું ન હતું. ત્રણ ખેલાડીઓને એશિયન ગેઈમ્સમાં ભાગ લેવાની પરવાનગી ન મળતાં ભારતે પણ એનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર એશિયન ગેઈમ્સની ઈવેન્ટમાં હાજર રહેવા હાંગઝૂ જવાના હતા. એ યાત્રા રદ્ કરવામાં આવી હતી. ભારતે ચીનના આ પગલાંને વખોડી કાઢ્યું હતું.

ચીનના હાંગઝુમાં એશિયન ગેઈમ્સ યોજાઈ રહી છે. એમાં ભાગ લેવાના અરૂણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓ- ન્યેમાન વાંગ્સૂ, ઓનિલુ તેગા અને મેપુંગ લામ્ગુને ચીને એન્ટ્રી આપી ન હતી. વુશુ પ્લેયર્સને ક્લિયરન્સ ન મળતા તેમણે પાછું ફરવું પડયું હતું. ચીન અરૂણાચલ પ્રદેશને ધરાર પોતાના નકશામાં બતાવે છે તેથી અરૂણાચલ પ્રદેશના ખેલાડીઓ સાથે આ ભેદભાવપૂર્ણ વર્તન થયું હતું. ભારતની વુશુ ટીમના બાકીના ખેલાડીઓ અને સ્ટાફ હોંગકોંગથી હાંગઝૂ માટે રવાના થયા હતા. તે વખતે અરૂણાચલ પ્રદેશના ખેલાડીઓને બોર્ડિંગની મંજૂરી અપાઈ ન હતી. એ પછી ખેલાડીઓ નવી દિલ્હી પાછા ફર્યા હતા. આ મુદ્દાને એશિયન ગેઈમ્સની સમિતિ, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ ઓશિયા સામે પણ ઉઠાવાયો છે.

ભારતે તુરંત તેનો વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અરિંદમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ચીને રમતની ભાવનાનું અને એશિયન ગેઈમ્સની ગરિમાનું અપમાન કર્યું છે. ભારતના નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન થાય તે બિલકુલ ચલાવી શકાય તેમ નથી. અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને ચીને ભારતના સાર્વભૌમત્વનો ખ્યાલ રાખ્યો નથી. તેથી કેન્દ્રીય રમતમંત્રી અનુરાગ ઠાકુરની ચીનની યાત્રા રદ્ કરવામાં આવી છે. 

કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર એશિયન ગેઈમ્સની ઈવેન્ટમાં હાજર રહેવા માટે હાંગઝૂ જવાના હતા. વુશુ કે જેને કૂંગ ફૂ પણ કહેવાય છે એ માર્શલ આર્ટની ઈવેન્ટમાં એશિયન ગેઈમ્સમાં ૨૩મી સપ્ટેમ્બરથી પ્રારંભ થવાનો હોવાથી આ ખેલાડીઓને ૨૦મી સુધીમાં પહોંચવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમને એન્ટ્રી અપાઈ ન હતી.



Google NewsGoogle News