રશદીના વિવાદાસ્પદ પુસ્તક પર કોઈ પ્રતિબંધ નહીં : કોર્ટ
પ્રતિબંધનો આદેશ જ મળતો નથી !
કસ્ટમ્સ વિભાગ ૫ ઓક્ટોબર ૧૯૮૮ના રોજના પ્રતિબંધનું જાહેરનામુ પૂરું પાડવામાં નિષ્ફળ
પાંચમી નવેમ્બરના રોજ ન્યાયાધીશ રેખા પાટિલે આપેલા ચુકાદામાં ૨૦૧૯થી પડતર અરજીનું નિરીક્ષણ કરતાં જણાવાયું હતું કે આ પ્રતિબંધનો કોઈપણ ચુકાદો હાલમાં સત્તાવાળાઓ પૂરા પાડી શક્યા ન હોવાથી અરજદાર આ પુસ્તક કાયદાકીય નિયમો મુજબ આ પુસ્તક મંગાવી શકે છે.
સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે ધ સેતાનિક વર્સીસ પુસ્તક ઇશ નિંદા સમાન હોવાથી કેન્દ્ર સરકારે બૂકર પ્રાઇઝ વિજેતા પુસ્તક ધ સેતાનિક વર્સીસની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. અરજદાર સંદીપન ખાને કોર્ટમાં દલીલ કરી હતી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના પાંચ ઓક્ટોબર ૧૯૮૮ના જાહેરનામાના લીધે તે આ પુસ્તકની આયાત કરી શકતા નથી. તેની સાથે તે કોઈ સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ નથી.
ન્યાયાધીશ સૌરભ બેનરજી સાથેની બેચનું નિરીક્ષણ હતું કે અહીં કોઈપણ પ્રતિસાદી પાંચ ઓક્ટોબર ૧૯૮૮નું જાહેરનામુ રજૂ કરી શક્યો નથી. આ પ્રકારનું જાહેરનામુ જારી કરનારાએ પણ આ જાહેરનામુ પૂરુ પાડવા અંગે અસમર્થતા દર્શાવી છે. તેનું કહેવું છે કે તે આટલું જૂનું જાહેરનામું રજૂ કરવા અસમર્થ છે. કોર્ટનું કહેવું છે કે ઉપરના સંજોગોને જોઈને અમારે તે માનવાને કોઈ કારણ રહેતું નથી કે આ પ્રકારનું જાહેરનામું જારી કરાયું હતું. તેના લીધે અમે આ કેસનો નિકાલ કરીએ છીએ.