'એરપોર્ટને લઈને કેન્યા સાથે કોઈ કરાર થયા નથી', ડીલ રદ થવા પર અદાણી ગ્રૂપનું નિવેદન
Adani Bribery Case : કેન્યાએ ભારતના અદાણી ગ્રૂપની સાથે બે કરાર રદ કરી દીધા છે. આ વચ્ચે અદાણી ગ્રૂપ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. અદાણી ગ્રૂપે કહ્યું કે, કેન્યાના મુખ્ય એરપોર્ટના સંચાલનને લઈને કોઈ કરાર થયા નથી.
ગત મહિને કેન્યામાં 30 વર્ષ સુધી વીજ ટ્રાન્સમિશન લાઈનોના નિર્માણ અને સંચાલન માટે થયેલા કરારને લઈને અદાણી ગ્રૂપે કહ્યું કે, 'આ પરિયોજના SEBIના નિયમો હેઠળ નથી આવતી, એટલા માટે રદ થવા પર કોઈ ખુલાસો કરવાની જરૂર ન હતી.'
આ પ્રતિક્રિયા તે નોટિસ બાદ આપવામાં આવી, જે સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવી હતી, જેમાં એ પુષ્ટિ કરવા માટે કહેવામાં આવ્યું હતું કે, 'કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ તે ખરીદ પ્રક્રિયાને રદ કરી દીધી હતી, જે હેઠળ અદાણી ગ્રૂપને કેન્યાના મુખ્ય એરપોર્ટનું નિયંત્રણ સોંપાવાનું હતું.'
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે એક ફાઇલિંગમાં કહ્યું કે, 'આ વર્ષે ઓગસ્ટમાં તેને કેન્યામાં એક સ્ટેપ-ડાઉન સહાયક કંપની સ્થાપિત કરી હતી, જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ અપગ્રેડેશન, મોર્ડનાઇઝેશન અને મેનેજમેન્ટ કરવાનું હતું. અત્યાર સુધી ન તો કંપની અને ન તો સહાયક કંપનીઓએ કેન્યામાં કોઈ એરપોર્ટ પરિયોજના મેળવી છે અને ન તો કેન્યામાં કોઈ એરપોર્ટ સંબંધિત કોઈ કરાર થયો છે.'
આ પણ વાંચો : કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેના તમામ કરાર કર્યા રદ, અમેરિકામાં આરોપો બાદ નિર્ણય
જણાવી દઈએ કે, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ દેશને સંબોધિત કરતા ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલા તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ વીજ ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તાર જેવી મોટી પરિયોજનાઓ સામેલ હતી. કેન્યા સરકારે અદાણી ગ્રૂપની સાથે થયેલા 700 મિલિયન ડોલરના પાવર ટ્રાન્સમિશન ડીલ રદ કરી દીધી છે. આ ડીલ દેશમાં વીજળીના ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાને લઈને હતી. આ સિવાય અદાણી ગ્રૂપના 1.8 બિલિયન ડોલર, જે એક ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તાર માટે હતો, તેને પણ રદ કરી દેવાયો છે.
અદાણી ગ્રૂપ પર તાજેતરમાં અમેરિકામાં લાંચ લેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આરોપો બાદ રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું હતું કે, 'તેમની સરકાર પારદર્શિતા અને ઈમાનદારીના સિદ્ધાંતો પર કામ કરે છે અને દેશની છાપ અને હિતોની વિરુદ્ધ હોય તેવા કરારોને મંજૂરી આપશે નહીં.'
રાષ્ટ્રપતિ રૂટોએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, 'અમે એવા કોઈપણ કરારને સ્વીકારીશું નહીં જે આપણા દેશની નીતિઓ અને મૂલ્યોની વિરુદ્ધ જાય.' કેન્યા સરકારના આ નિર્ણયની દેશની વિકાસ યોજનાઓ પર શું અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે. ત્યારે હવે અદાણી ગ્રૂપની પ્રતિક્રિયા સામે આવી છે.