બિહારમાં ફરી નવા-જૂનીના એંધાણ, તેજસ્વી સાથેની મુલાકાત બાદ નીતિશ ફરી ગુલાંટ મારે તેવી આશંકા
પલટુરામ નીતિશ ફરી ઈતિહાસનું પુનરાવર્તન કરે તેવી અટકળો
બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરીના સરવેના આધારે અનામત મુદ્દે સુપ્રીમમાં ભાજપના વલણથી નીતિશ કુમાર નારાજ
Bihar Nitish Kumar News Updates| બિહારની રાજધાની પટનામાં ત્રણ દિવસ પહેલા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે મુલાકાત થતાં ભાજપમાં ટેન્શન છે. નીતિશ અને તેજસ્વી રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક માટે મળ્યા હોવાનો દાવો કરાય છે પણ ભાજપ માને છે કે, નીતિશ ફરી પલટી મારવાની તૈયારીમાં છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવના કારણે ૨૦૨૫ના નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાને પણ ડૂબાડી દેશે એવો નીતિશને ડર હોવાથી અત્યારથી પલટી મારવાનો તખ્તો તૈયાર કરવા માંડયો છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૨માં જ્ઞાાતિ આધારિત વસ્તી ગણતરીને મુદ્દે નીતિશ અને તેજસ્વીની મુલાકાત થઈ પછી નીતિશે ભાજપનો સાથ છોડીને આરજેડીનો ટેકો લીધો હતો. નીતિશ અત્યારે ફરી એ જ ઈતિહાસ દોહરાવે એવી શક્યતા છે.
જેડીયુનાં સૂત્રો પણ નીતિશ ગમે ત્યારે પલટી મારશે એ વાત સ્વીકારે છે. જેડીયુનાં સૂત્રોનું કહેવું છે કે, ભાજપ નીતિશના ટેકાથી ટક્યો હોવા છતાં વારંવાર જેડીયુને અપમાનિત કરે છે અને માન નથી આપતો તેથી નીતિશ નારાજ છે. તાજેતરમાં જેડીયુના પ્રવક્તા કે.સી. ત્યાગીનાં નિવેદનો સામે વાંધો લઈને ભાજપે નીતિશને ત્યાગીને પ્રવક્તાપદેથી રાજીનામું અપાવવાની ફરજ પાડી હતી. ત્યાગીના રાજીનામા પછી નીતીશની તેજસ્વી યાદવ સાથે મુલાકાત થઈ એ સૂચક છે. જેડીયુનાં સૂત્રોનું કહેવું છે કે, જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે મોદી સરકારના વલણથી પણ નીતિશ નારાજ છે. હાઇકોર્ટે બિહાર સરકારના જ્ઞાાતિ આધારિત સર્વેક્ષણ અને તેના કારણે કરાયેલી અનામતની જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું વલણ મહત્વનું છે. નીતિશે મોદી સરકારને વારંવાર આ મુદ્દે વલણ સ્પષ્ટ કરીને કેસનો ઝડપથી નિકાલ કરાવવા કહ્યું છે પણ કેન્દ્ર આ અંગે બહુ સક્રિય નથી. બિહારને જ્ઞાાતિ આધારિત સર્વેના જોરે અનામત માટે લીલી ઝંડી મળે તો અન્ય રાજ્યોમાં આ માંગ વધુ તીવ્ર બનશે. કોંગ્રેસ તથા સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોને તેનો વધુ ફાયદો થશે એવું ભાજપને લાગે છે.
જેડીયુ મોદી સરકારનો હિસ્સો છે પણ તેની પાસે મોટાં કોઈ મંત્રાલય નથી. ભાજપ પાસે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર નથી છતાં જેડીયુને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ મંત્રી અને એક રાજ્ય કક્ષાનું મંત્રીપદ મળ્યું છે. જેડીયુ કેન્દ્ર સરકારનાં મહત્વનાં વિવિધ બોર્ડ અને રાજ્યપાલ તરીકે પોતાન માણસોની નિમણૂક ઈચ્છે છે પણ ભાજપ એ વાત પણ સાંભળતો નથી તેથી નીતિશ પલટી મારવા તૈયાર છે.