નીતીશે 'INDIA' ગઠબંધનના 'અંતિમ સંસ્કાર' કરી નાખ્યા : કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણન્
- કોંગ્રેસ પોતાને જ રોકી શકતી નથી ત્યાં નીતીશકુમારને કઈ રીતે રોકી શકે ?
ગાઝિયાબાદ : બિહારમાં થયેલા રાજકીય ચક્રવાત વચ્ચે કોંગ્રેસના પીઢ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણને એક અસામાન્ય નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું - 'નીતીશે ઈંડીયા ગઠબંધન'ના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં છે. કોંગ્રેસ પોતાને જ જતાં રોકી નથી શકતી ત્યાં નીતીશકુમારને તો તે કઈ રીતે રોકી શકે છે.
એક તરફ કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલાં 'ભારત જોડો ન્યાય યાત્રા' કાઢી રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓથી બનેલું ગઠબંધન 'ઈંડીયા' તૂટતું જોવા મળે છે. પહેલાં પશ્ચિમ બંગાળ પછી પંજાબ અને હવે બિહારમાં પણ ઈંડીયા ગઠબંધન નિર્બળ થતાં તે વાત ચર્ચાને ચાકડે ચઢી છે કે ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ શી હશે ? તે ચર્ચા વચ્ચે આચાર્ય પ્રમોદકૃષ્ણને આવું ધડાકા બંધ નિવેદન કર્યું છે.
તેઓએ કહ્યું, 'ઈંડીયા ગઠબંધનના તો નીતીશજીએ અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે.' વાસ્તવમાં તે ગઠબંધન 'જન્મ' સમયથી જ ગંભીર બીમારીઓથી ગ્રસ્ત હતું. પહેલેથી જ જાત જાતના વાયરસ તેમાં ઘૂસી ગયા પછી આઈસીયુમાં ચાલ્યું ગયું, અંતે વેન્ટીલેટર ઉપર મૂકાયું તેમાં ગઈકાલે (રવિવારે) નીતીશજીએ પટણામાં તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા.
તે સર્વવિદિત છે કે રવિવારે નીતીશકુમારે બપોરે રાજ્યપાલની મુલાકાત લઈ પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું, તે પછી બીજેપી સાથે બેઠક થઈ અને એક મુ.મં. સાથે બે નાયબ મુ.મં.ની ફોર્મ્યુલા ઉપર એનડીએ સાથે સરકાર બનાવવા નિર્ણય લેવાયો અને સાંજના પાંચ વાગે નીતીશકુમારે નવમીવાર બિહારના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા.
આ ઘટના ઈંડીયન ગઠબંધન માટે ઝટકારૂપ બની રહી છે. થોડા દિવસ પૂર્વે નીતીશકુમારને ઈંડીયા ગઠબંધનના 'સંયોજક' બનાવવાની ચર્ચા હતી ત્યાં નીતીશકુમાર જ 'ઈંડીયા' ગઠબંધન છોડી એનડીએ ગઠબંધનમાં જોડાઈ ગયા.