નીતિશ કુમારની સરકાર પાડવા પ્રયાસ! ધારાસભ્યોને કરોડોની ઑફર કિડનેપિંગની ધમકીનો દાવો
Bihar CM Nitish Kumar Latest News Update: બિહારમાં NDA સરકારના વિશ્વાસ મત દરમિયાન ધારાસભ્યોને ખરીદીના કેસમાં તપાસ કરી રહેલા આર્થિક અપરાધ એકમ (EOU)ને મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટની તપાસમાં સામે આવ્યું છે કે, સરકારને વિશ્વાસ મત દરમિયાન પછાડવા માટે હોર્સ ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ માટે ગેરકાયદેસર નાણાંની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. EOUને મળેલા પુરાવાના આધારે જાણવા મળ્યું છે કે, વિવિધ શહેરોમાં બેઠેલા લોકો આ હોર્સ ટ્રેડિંગમાં સામેલ હતા. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળમાંથી નીતિશના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ઘણા ધારાસભ્યોએ તો એડવાન્સ પૈસા પણ લઈ લીધા હતા, જેના પુરાવા EOUને મળ્યા છે.
શું હતું સમગ્ર પ્લાનિંગ ?
EOUના DIG માનવજીત સિંહ ધિલ્લોનનું કહેવું છે, કે હોર્સ ટ્રેડિંગના આ મામલે થયેલી તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. કેટલાક લોકોએ પ્લાનિંગ કર્યો હતો કે, જો મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકાર વિશ્વાસ મતમાં હારી જશે તો ધારાસભ્યોને ખૂબ પૈસા મળશે. નીતિશ વિરુદ્ધમાં મતદાન કરનારા તમામ ધારાસભ્યોને અન્ય રાજ્યોમાં હવાલો આપીને પૈસા આપવામાં આવ્યા હતા. જો કે, તેમનો આ પ્લાનિંગ સફળ ન થયો. EOUનું કહેવું છે કે, દલાલોએ ધારાસભ્યોના અપહરણની પણ યોજના બનાવી હતી. તેમને પૈસાની લાલચ આપીને તેમની તરફ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે નીતીશ કુમાર મહાગઠબંધન છોડીને NDAમાં પરત ફર્યા ત્યારે તેમને વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવો પડ્યો હતો. પરંતુ વિશ્વાસનો મત મેળવ્યાના એક દિવસ પહેલા જ જેડીયુ ધારાસભ્ય સુધાંશુ શેખરે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખ કરી હતી. FIR પ્રમાણે સુધાંશુ સહિત જેડીયુના ઘણા ધારાસભ્યોએ કેટલાક લોકોએ લાલચ અને ધમકી આપી હતી. તેમને નીતીશ સરકાર વિરુદ્ધ વોટ આપવાનું કહેવામાં આવ્યું હતું.
કોના પર લગાવ્યા આરોપ?
સુધાંશુએ આ FIRમાં વિરોધ પક્ષ આરજેડીનું નામ પણ લખાવ્યું હતું. JDU ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, તેમને 10 કરોડ રૂપિયાની સાથે મંત્રી પદની ઓફર પણ કરવામાં આવી હતી. આ કેસમાં JDU ધારાસભ્ય ડૉ. સંજીવ પણ આરોપી હતા. ઈકોનોમિક ઓફેન્સ યુનિટના આ ઘટસ્ફોટ બાદ JDU ધારાસભ્ય સુધાંશુ શેખરે ફરી દાવો કર્યો કે, વિપક્ષ દ્વારા એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓ સફળ નથી રહ્યા. સરકારે આ કેસની તપાસ ઈકોનોમિક ઓફેન્સ યુનિટને સોંપી હતી. EOU આ કેસમાં મની ટ્રેલ અને હવાલાની તપાસ કરી રહી છે. જોકે, ED પણ તેના લેવલે આ મામલે વધુ તપાસ કરી રહી છે.