બિહારમાં સાંજે શપથ ગ્રહણ સમારોહ, નીતીશ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપના 2 ડેપ્યુટી સીએમ
નીતીશ કુમાર હવે એનડીએ સાથે મળીને નવી સરકાર બનાવશે
Nitish Kumar Resigns As Bihar CM: બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું આપી દીધુ છે. I.N.D.I.A ગઠબંધનને લઈને નીતીશ કુમારે કહ્યું કે 'અહીં લોકો મહેનત નહોતા કરી રહ્યા. તેમાં કોઈ અપડેટ આવી રહી નહોતી જેના લીધે બંને તરફથી લોકોને તકલીફ થઇ રહી હતી. મહાગઠબંધનમાં પણ કોઈ કામ કરવા દેતું નહોતું.જેને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય કર્યો છે. હવે હું નવા ગઠબંધનમાં જઇ રહ્યો છું.'
બિહારમાં સાંજે 5 વાગ્યે શપથ ગ્રહણ
અહેવાલ અનુસાર, બિહારમાં સાંજે 5 વાગ્યે શપથ ગ્રહણ થશે. નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે. નવી સરકારમાં ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી બનશે. ભાજપે રાજ્યમાં કુર્મી અને ભૂમિહાર મતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ સિવાય બિહારના ધારાસભ્યોએ ભાજપ, જેડીયુ અને અન્ય સહયોગીઓ સાથે મળીને રાજ્યમાં એનડીએ સરકાર બનાવવાનો ઠરાવ સર્વસંમતિથી પસાર કર્યો હતો. સમ્રાટ ચૌધરીને વિધાયક દળના નેતા અને વિજય સિન્હા ઉપનેતા તરીકે ચૂંટાયા છે.
નીતિશના રાજીનામા પર RJDએ આપી પહેલી પ્રતિક્રિયા
બિહારના મુખ્યમંત્રી પદ પરથી નીતીશ કુમારના રાજીનામા બાદ આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે 'તેમની પાસે શું બાકી હતું? જનતા જ માસ્ટર છે. તે બધું જુએ છે અને દરેક વસ્તુનો હિસાબ માંગશે. તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવેલ કામ લોકોમાં જશે અને નીતીશ કુમારની હોડી ડૂબી જશે.'