'5 રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, INDIA ગઠબંધન તરફ તો ધ્યાન આપો' કોંગ્રેસથી નારાજ થયા નીતીશ?
તેમણે કહ્યું કે ગઠબંધનમાં હાલ કોઈ કામકાજ થતું દેખાઈ રહ્યું નથી
નીતીશે ભાજપ પર ઈતિહાસ બદલવાનો મૂક્યો આક્ષેપ
Nitish Kumar on INDIA Alliance | બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે INDIA ગઠબંધન પર મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ સામે નિશાન તાક્યું હતું. નીતીશ કુમારે કહ્યું કે પટનામાં યોજાયેલી બેઠકમાં INDIA ગઠબંધનની રચના થઈ હતી પરંતુ આજકાલ ગઠબંધનમાં કોઈ કામકાજ થતું દેખાઈ રહ્યું નથી. કોંગ્રેસનું ધ્યાન હાલ INDIA ગઠબંધન તરફ લાગતું નથી.
નીતીશે તાક્યું નિશાન
આ સાથે જ નીતીશ કુમારે કહ્યું કે લાગે છે કે કોંગ્રેસ હાલમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જ વ્યસ્ત છે. દરમિયાન નીતીશ કુમારે મોદી સરકાર સામે પણ નિશાન તાક્યું. તેમણે કહ્યું કે આજે કેન્દ્રમાં જેમની સરકાર છે તેમને દેશથી કંઈ જ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે ભાજપવાળા ફક્ત દેશનો ઈતિહાસ બદલવા માગે છે.
નીતીશ કુમારે કહ્યું - અમે બધાને સાથે લઈને ચાલનારા
નીતીશ કુમારે કોંગ્રેસ પર સવાલ ઊઠાવવાની સાથે જ પોતાને સૌને સાથે લઈને ચાલનારા પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે અમે બધાને એકજૂટ કરવા માગીએ છીએ. અમે બધાને સાથે લઇને ચાલીએ છીએ. અમે સોશિયાલિસ્ટ છીએ. સીપીઆઈ સાથે પણ અમારા જૂના સંબંધ છે. કમ્યુનિસ્ટ અને સોશિયાલિસ્ટે એકજૂટ થઈને ભવિષ્યમાં આગળ વધવાનું છે.