'પ્રદેશ મે દિખા, દેશ મે દિખેગા': પટનામાં લાગેલા પોસ્ટર શુ ઈશારો કરી રહ્યા છે?
નવી દિલ્હી, તા. 2 સપ્ટેમ્બર 2022 શુક્રવાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની વડાપ્રધાન પદ માટે ઉમેદવાદી પર અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, તેમણે આ મુદ્દે અત્યાર સુધી સ્પષ્ટતા કરી નથી પરંતુ હવે આ પ્રકારની ઈચ્છાઓ સામે આવતી જોવા મળી રહી છે. જનતા દળ યુનાઈટેડ અને સીએમ નીતીશ કુમાર રાષ્ટ્રીય સ્તરે છવાવવાની તૈયારી કરી રહ્યા છે. આનો પુરાવો પટનામાં લાગેલા પોસ્ટર છે.
ગુરૂવારે પટના સ્થિત પાર્ટી કાર્યાલયમાં નવા પોસ્ટર લાગ્યા. આ તસવીરો દ્વારા નીતીશ NDAના જૂના સાથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતા રહ્યા હતા. 'જુમલા નહીં હકીકત', 'મન કી નહીં કામ કી', 'પ્રદેશ મે દિખા', 'દેશ મેં દિખેગા', 'આગાજ હુઆ બદલાવ હોગા' જેવા અમુક દાવા આ પોસ્ટર્સ દ્વારા કરવામાં આવ્યા હતા.
બિહારનો નજારો
તાજેતરમાં જ બિહાર પહોંચેલા તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની સામે પણ નીતીશ કુમારની પીએમ પદની ઉમેદવારીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. ખાસ વાત એ છેકે આ દરમિયાન સીએમ નીતીશ કુમારની પ્રતિક્રિયા અને કેસીઆરના જવાબે ચર્ચાઓ વધારી દીધી છે. તેલંગાણા સીએમે કહ્યુ, નીતીશ કુમાર દેશના વરિષ્ઠ અને શ્રેષ્ઠ નેતાઓમાંના એક છે. આપણે આ બાબતો પર બાદમાં નિર્ણય લઈશુ. ભાષા અનુસાર કેસીઆરએ બાદમાં રાજદના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સાથે પણ મુલાકાત કરી.